પાલનપુરઃ સુઈગામ તાલુકાનું ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલું નડાબેટ ગામ અનોખી ઓળખ ધરાવે છે. વાવ-થરાદ જિલ્લાનાં 44 ગામો પૈકી 43 ગામમાં કુલ 69,983 મતદારો નોંધાયેલા છે, પરંતુ નડાબેટ એવું એકમાત્ર ગામ છે, જ્યાં એકપણ મતદાર નથી. એટલે કે રેવન્યૂ રેકર્ડ ધરાવતું હોવા છતાં સંપૂર્ણ નિર્વાસિત ગામ તરીકે નડાબેટ ઓળખાય છે.
સૂઈગામ તાલુકાની જલોયા ગ્રૂપ ગ્રામ પંચાયતમાં આવતું નડાબેટ ગામ જલોયાથી આશરે 12 કિ.મી. દૂર રણ વિસ્તારમાં આવેલું છે. અહીં 2450 હેક્ટર જમીન જંગલ વિભાગ અને 830 હેક્ટર સરકારની જમીન નોંધાયેલી છે, છતાં કોઈ વસવાટ ન હોવાથી ગામ ખાલી છે. નડાબેટ નડેશ્વરી માતાજીના પ્રખ્યાત મંદિરને કારણે રાજ્ય અને દેશભરમાં પ્રસિદ્ધ બન્યું છે. ઐતિહાસિક માન્યતાઓ અનુસાર જૂનાગઢના રાજા રા’નવઘણ અને તેમની બહેન જાહલ સાથે જોડાયેલી કથા આ સ્થળ સાથે સંકળાયેલી છે. માન્યતા મુજબ દરિયાએ માર્ગ આપતા રાજાએ અહીં માતાજીની સ્થાપના કરી હતી. લગભગ 40 વર્ષ પહેલાં પદ્મભૂષણ સંત સચ્ચિદાનંદ બાપુએ અહીં આવી મંદિર નિર્માણ અને વિકાસકાર્યો હાથ ધર્યા બાદ નડાબેટનું મહત્ત્વ વધ્યું છે. ત્યારબાદ ગુજરાત સરકારે પણ 125 કરોડથી વધુના ખર્ચે ટૂરિઝમનો વિકાસ કર્યો છે, જેના કારણે અહીં યાત્રાળુઓનો ધસારો વધ્યો છે. વર્ષ 1901ની વસ્તીગણતરી મુજબ નડાબેટમાં 43 લોકો વસતા હતા, પરંતુ હાલ એકપણ વ્યક્તિ વસવાટ કરતી નથી. આમ માનવ વસતી વગરનું નડાબેટ ગુજરાતનું દુર્લભ અને વિશિષ્ટ ગામ બની ગયું છે.
વસ્તી નહીં છતાં કરોડોનાં વિકાસકાર્યો
જલોયા ગામ પંચાયતના સરપંચ થાનાજી ડોડિયાએ જણાવ્યું હતું કે, નડાબેટ ગામ કાયદેસર રેવન્યૂ રેકર્ડ ધરાવતું ગામ છે. ગામમાં જાહેર શૌચાલય, સીસી રોડ, વેઇટિંગ શેડ, ઓવરહેડ પાણીની ટાંકી, કોમ્યુનિટી હોલ અને સ્ટ્રીટ લાઇટ સહિત કરોડો રૂપિયાના વિકાસકામો કરવામાં આવ્યાં છે. જો કે નડાબેટમાં કોઈ વ્યક્તિ વસવાટ કરતી ના હોઈ ત્યાં એક પણ મતદાર પણ નોંધાયેલો નથી.

