સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ ભાજપે 300 સીટ બિનહરીફ મેળવી

Wednesday 15th April 2026 06:17 EDT
 
 

અમદાવાદઃ ઉમેદવારીના છેલ્લા દિવસે શનિવારે માત્ર સિંગલ ફોર્મ ભરાવાને કારણે 135 બેઠકો બિનહરિફ મેળવનાર ભાજપને સોમવારે ચકાસણીના દિવસે વધારે 165 બેઠકોનો વગર ચૂંટણીએ ફાયદો થયો છે. આમ ચૂંટણી પહેલાં જ અને મતદાન વગર જ ભાજપને 300થી વધુ બેઠકો- મતક્ષેત્રોમાં જનપ્રતિનિધિ મળી ચૂક્યા છે. નવસારીના ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસના 18 ઉમેદવારોએ મેન્ડેટ પહોંચાડવામાં 10 મિનિટ વિલંબ કરતા ચૂંટણી અધિકારીએ તેમનાં ફોર્મ જ રદ્દ કરતાં મહેસાણાની કડી પછી આ બીજી પાલિકામાં પણ 26 એપ્રિલના મતદાન પહેલાં જ ભાજપને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે.
માત્ર ગણદેવી કે કડી જ નહી, પરંતુ પંચમહાલની શહેરા અને મહેસાણાની ઊંઝા પાલિકામાં પણ ભાજપે ચૂંટણી પહેલાં બિનહરીફ ઉમેદવારોને કારણે શાસન ચલાવી શકાય એટલી સ્પષ્ટ બહુમતી મેળવી છે. ગણદેવીના ઘટનાક્રમ અંગે ચૂંટણી અધિકારીએ કહ્યું કે, રાજ્ય ચૂંટણીપંચમાં નોંધાયેલા માન્ય રાજકીય પક્ષના ઉમેદવારે ઉમેદવારી પત્ર રજૂ કરવાના છેલ્લા દિવસે બપોરે 3 કલાક પહેલાં સંબંધિત પક્ષનું અધિકૃત મહાનુભાવનું નિયત નમૂના- ‘ક’ તથા તેમની સહીવાળું નિયત નમૂના ‘ખ’માં જરૂરી મેન્ડેટ અસલમાં ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કરવાનું હોય છે. અહીં કોંગ્રેસના ઉમેદવારો નિયત સમયમાં મેન્ડેટ રજૂ કરી શક્યા નથી એથી તેમનાં ફોર્મ રદ્દ થાય છે. ફોર્મ ચકાસણીના દિવસે પંચમહાલની શહેરા નગરપાલિકામાં ભાજપનાં 28 પૈકી 15 ઉમેદવારો, તાલુકા પંચાયતના 28 પૈકી 7 અને જિલ્લા પંચાયતમાં એક ઉમેદવાર બિનહરિફ જાહેર થયા હતા.

ઈલેક્શન રાઉન્ડઅપ

• પૂર્વ આઇપીએસ મનોજ નિનામાની ભાજપમાં એન્ટ્રીઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી વચ્ચે બ્યૂરોક્રેસીનો એક મોટો ચહેરો રાજનીતિના મેદાનમાં ઉતરી ચૂક્યો છે. વર્ષ 2006ની બેચના પૂર્વ આઇપીએસ અધિકારી મનોજ નિનામાએ સ્વૈચ્છિક નિવૃત્તિના બે દિવસમાં જ ભાજપનો ખેસ ધારણ કરી લીધો. આ ઘટનાક્રમની થોડી જ મિનિટોમાં ભાજપ હાઇકમાન્ડ દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર ઉમેદવાર યાદીમાં તેમને અરવલ્લીના ઓડથી ટિકિટ અપાઈ હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
• બાટલો, બંગડી, બિસ્કિટ સહિત 209 સિમ્બોલ પર લડાશે ચૂંટણીઃ ગાંધીનગરઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણીપંચે નોંધાયેલા તમામ રાજકીય પક્ષો, તેમનાં પ્રતીકો તેમજ અપક્ષ ઉમેદવારો માટેનાં ફ્રી સિમ્બોલની વિગતવાર યાદી જાહેર કરી છે. જેમાં ચૂંટણીપંચે બાટલો, બંગડી અને બિસ્કિટ જેવાં સામાન્ય જનજીવન સાથે જોડાયેલાં 209 જેટલાં ચૂંટણી પ્રતીકો બહાર પાડ્યાં છે.
• આપના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપમાં જોડાયાઃ આપના પૂર્વ નેતા રાજુ કરપડા 9 એપ્રિલે ભાજપમાં જોડાઈ ગયા. આ સાથે કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ ચોટીલા વિધાનસભાથી લડી શકે છે. અગાઉ જ્યારે તેઓ આપમાં હતા ત્યારે કહેતા હતા કે, ‘સૂરજદાદા આથમણા ઊગશે, ત્યારે ભાજપનો ખેસ પહેરીશ.’ જો કે હાલમાં જ તેઓ ભાજપમાં જોડાયા છે, ત્યારે તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
• અમદાવાદ કોર્પોરેશનમાં 9 મૂળ કોંગ્રેસીને ટિકિટઃ છેલ્લા બે દાયકામાં કોંગ્રેસ છોડીને અનેક કાર્યકરો ભાજપ સાથે જોડાયા છે. સમયાંતરે ભાજપે કોંગ્રેસના શક્તિશાળી ગણાતા કાર્યકરોને ઓળખી તેમને પક્ષમાં સ્થાન પણ આપ્યું છે. 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભાજપે કોંગ્રેસ ગોત્રના 9 ઉમેદવારોને ટિકિટ આપી છે. જ્યારે 153 નવા ઉમેદવારને ચૂંટણી મેદાન ઉતાર્યા છે તથા 39 કોર્પોરેટરને રિપીટ કર્યા છે.
• ઉમેદવારી ફોર્મ ન ભરી શકતાં ફિનાઈલ પી લીધું: સુરતના વોર્ડ 14માં આપના ઉમેદવાર ગૌશાલી ચાચરે કલેક્ટર કચેરી ખાતે જ ફિનાઈલ પી લીધું. ટેકનિકલ સમસ્યાઓના કારણે તેઓ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શક્યાં નહોતાં. ફોર્મ રિજેક્ટ થવાની કે ન ભરી શકવાની ભીતિએ આવેશમાં આવી તેમણે આ પગલું ભર્યું હતું. હાજર લોકોએ તાત્કાલિક 108 એમ્બુલન્સ બોલાવી તેમને હોસ્પિટલ ખસેડયા હતા.
• ભાજપ કાર્યાલયના પ્યૂનને ટિકિટ મળીઃ મહેસાણા ભાજપ કાર્યાલયમાં 28 વર્ષથી પ્યૂન તરીકે સેવા આપનારાને
ભાજપે ટિકિટ આપી છે. પક્ષ પ્રત્યેની વફાદારીનું ફળ તેમને મળ્યું હોવાનું ચર્ચાય છે. આ સિવાય અમુક શહેરોની બેઠકના ઉમેદવારો ચર્ચામાં છે. જેમાં લોકગાયક માયાભાઈ આહિરનાં પુત્રીએ ચાવંડ તાલુકા પંચાયત બેઠક પરથી ભાજપનાં ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે.
• કોંગ્રેસમાં ટિકિટો વહેંચી કે વેચી?: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એકવાર કોંગ્રેસ ઉમેદવારોની પસંદગીને લઇને પ્રદેશ નેતાઓ સામે આંગળી ઊઠી છે. એટલુ જ નહીં એવો સવાલ પણ ઉઠ્યો છે કે, ટિકિટો ફાળવવામાં આવી છે કે પછી વેચવામાં આવી છે? પાયાના સંનિષ્ઠ કાર્યકરોની અવગણના કરવામાં આવી છે, જ્યારે નવા કાર્યકરો એટલે કે પેરાશૂટ કાર્યકરોને કોર્પોરેટર બનવા માટે તક અપાઈ છે.


comments powered by Disqus