જામનગરઃ હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિ દ્વારા ‘વિશ્વ નવકાર મહામંત્ર દિવસ’ની ઉજવણી કરાઈ હતી. JITO દ્વારા 9 એપ્રિલે વિશ્વભરમાં આ દિવસની ઉજવણીનું આયોજન કરાયું છે, જેના ભાગરૂપે ઓશવાળ સેન્ટર ખાતે હજારો જ્ઞાતિજનોએ સમૂહ નવકાર જાપ કરી વિશ્વકલ્યાણની કામના કરી હતી.
આ પ્રસંગે પુરુષો સફેદ વસ્ત્રોમાં અને મહિલાઓ કેસરી વસ્ત્રોમાં સજ્જ થઈને ઉપસ્થિત રહી હતી. હજારો જ્ઞાતિજનોની હાજરીથી ઓશવાળ સેન્ટરનું પ્રાંગણ ભક્તિમય બની ગયું હતું. એકસાથે ગૂંજી ઊઠેલા નવકાર મહામંત્રના નાદથી સમગ્ર વાતાવરણ પવિત્ર બન્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના મુખ્ય 7 સંઘોએ સહભાગિતા નોંધાવી હતી. તેમાં દિગ્વિજય પ્લોટ જૈન સંઘ, ઓશવાળ કોલોની જૈન સંઘ, કામદાર કોલોની જૈન સંઘ, મેહુલનગર જૈન સંઘ, ચંપા વિહાર જૈન સંઘ, સાધના કોલોની જૈન સંઘ અને મોહનનગર જૈન સંઘનો સમાવેશ થાય છે. જ્ઞાતિ અગ્રણીઓએ જણાવ્યું કે, નવકાર મંત્ર જૈન ધર્મનું હૃદય છે, હજારો આત્માઓ આ મહામંત્રનો જાપ કરે છે, ત્યારે તેની ઊર્જા વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.

