૯ એપ્રિલે એક પ્રાર્થના, અનેકોના અવાજમાં વિશ્વ શાંતિનો સંદેશ રેલાયો : ભારતમાં ગૃહ મંત્રીશ્રી અમીત શાહના સંબોધનથી નવકાર મહામંત્ર દિનનું ઉદ્ઘાટન

Wednesday 15th April 2026 08:17 EDT
 
 

ગુરૂવાર ૯ એપ્રિલના રોજ ભારત સહિત દુનિયાભરના દેશોમાં હજારો જૈન-જૈનેતરોએ સામૂહિક નવકાર મહાંત્રનું રટણ કરી વિશ્વમાં શાંતિ, સંપ અને મૈત્રીનો સંદેશ દ્વારા આધ્યાત્મિક જાગૃતિ ઉજાગર કરી.
JITO UK ના નેજા હેઠળ સાંજના સમયે યુ.કે. અને યુરોપની ૪૦ થી વધુ સંસ્થાઓએ સાથે મળી ઐતિહાસિક નવકાર મહામંત્ર દિનની ઉજવણી કરી જેમાં વિશ્વભરના ૧૦૮ દેશોએ પણ ભાગ લઇ વિક્રમ નોંધાવ્યો. કેટલાકે પોતપોતાની સંસ્થાઓના હોલમાં તો કેટલાકે વર્ચ્યુઅલ ભાગ લઇ નવકાર મહામંત્રના રટણમાં ભાગ લીધો. આ માત્ર બાહ્યિક શાંતિ જ નહિ આંતરિક શાંતિની યાત્રા પણ છે જે પોતાના અંતરાત્માથી શરૂ કરી માનવ-માનવ વચ્ચે સન્માનભાવ કેળવવાના ભાવ ઉપજાવે છે.
યુ.કે.ના મોટાભાગના શહેરો સહિત યુરોપના આયરલેન્ડ, જર્મની, નેધરલેન્ડ, ફ્રાન્સ, પોલેન્ડ, સ્પેન, બેલ્જીયમની સંસ્થાઓ તેમજ ઝૂમના માધ્યમ સહિત ૬૦૦૦ થી વધુ ભાઇ-બહેનોએ નવકાર મહાંત્રને ગૂંજતો કર્યો.
આ મહામંત્રની વિશેષતા એ છે કે, એમાં કોઇ દેવી-દેવતા કે ઇશ્વરના નમોલ્લેખ કર્યા વિના જેઓએ પોતાના આંતર શત્રુઓ પર વિજય મેળવ્યો એ અરિહંત, સિધ્ધ ગતિને પામ્યા, આચાર્ય કે ઉપાધ્યાય સહિત ધર્મના પ્રચાર-પ્રસારમાં પ્રવૃત્ત સર્વે પંચ પરમેષ્ઠીને વંદન કરવાને મહત્વ અપાયું છે. ધર્મ, ભાષા, રાષ્ટ્ર કે સંસ્કૃતિથી પર એવો આ મંત્ર આદ્યાત્મિક ઉન્નતિનો દ્યોતક છે.
 JITO UK ના ઇવેન્ટ કન્વીનર શ્રી શ્રેયાંસ જૈને સૌએ સાથે મળી નવકાર મહામંત્રનું રટણ કરવાથી સાર્વત્રિક શાંતિના સંદેશની વ્યાપકતા પર ભાર મૂક્યો હતો. જ્યારે એના સેક્રેટરી અનુરાગ જૈને JITO UK ના એપેક્સ બોર્ડ સભ્યો વતી તેમના વીઝનની સ્પષ્ટ કરતા જણાવ્યું કે, જૈન મૂલ્યોના મૂળિયા વધુ મજબૂત બને અને વિશ્વભરમાં એકતા સધાય એ તેમનો મૂખ્ય આશય છે.
આ દિનના કાર્યક્રમનું સમાપન કરતા JITO UK ના ચેર શ્રી નીતિન જૈને આ દિનમાં ભાગીદારી નોંધાવનાર સૌ સંસ્થાઓ, વ્યક્તિઓ અને વોલઁટીયર્સનો ખાસ આભાર માન્યો હતો.
આ પુણ્યવંતી ઘડીનો શુભારંભ ભારતના ગૃહ મંત્રીશ્રી અમિત શાહે નવી દિલ્હીમાં JITOના નેજા હેઠળ યોજાયેલ કાર્યક્રમમાં મનનીય સંબોધન કરતા નવકાર મહામંત્રની મહત્તા સમજાવી હતી. એ પ્રસંગે એમને અષ્ટમંગળ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. ભારતભરના શહેરોમાં સવારના મંગળ ઘડાના સ્થાપનથી ભવ્ય રીતે મહામંત્ર નવકારના રટણનું આયોજન કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus