‘વનકવચ’ પદ્ધતિથી રણપ્રદેશમાં સર્જાયાં મિની જંગલો

Wednesday 15th April 2026 07:21 EDT
 
 

ભુજઃ ગ્લોબલ વોર્મિંગ અને વધતા પ્રદૂષણ સામે લડવા કચ્છ જિલ્લામાં વનવિભાગ દ્વારા જાપાનીઝ તકનિક મિયાવાંકી પર આધારિત વનીકરણ ઝુંબેશ ‘વનકવચ’ અમલમાં મુકાઈ છે. આ પદ્ધતિથી તૈયાર કરાયેલાં વનો સામાન્ય જંગલ કરતાં 30 ગણાં વધુ ગીચ અને 10 ગણાં ઝડપથી વિકસે છે.
વનકવચ હેઠળનાં વન માત્ર હરિયાળી જ નહીં, પરંતુ પતંગિયાં, પક્ષીઓ માટે નવું આશ્રયસ્થાન બનીને જૈવ-વિવિધતામાં પણ વધારો કરી રહ્યાં છે. જમીનનું ધોવાણ અટકાવવા અને માનવ જીવનની ગુણવત્તા સુધારવામાં આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે. સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક જયનભાઈ પટેલે જણાવ્યું કે, કચ્છમાં દરેક ગામના લોકો પોતાના વિસ્તારમાં કમસેકમ એક વનકવચ બનાવવામાં મદદ કરે તો સ્થાનિક વન્ય પ્રજાતિનું સંરક્ષણ થશે.
શું છે વનકવચ પદ્ધતિ?
જાપાની વનસ્પતિશાસ્ત્રી અકિરા મિયાવાંકીની પ્રેરણાથી વિકસેલી આ પદ્ધતિમાં પડતર કે શહેરી જમીન પર ખૂબ જ નજીક ઘનિષ્ઠ વાવેતર કરાય છે. આ ત્રિસ્તરીય વાવેતરમાં ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન સ્તરની સ્થાનિક જાતો પસંદ કરાય છે, 1 હેક્ટરમાં અંદાજે 10 હજાર રોપા વાવવામાં આવે છે. શરૂઆતનાં 2-3 વર્ષ માવજત બાદ આ વન કુદરતી રીતે પોતાની મેળે જ વિકાસ પામે છે.
કચ્છમાં નિર્માણ પામ્યાં વિવિધ વન
સરદાર સ્મૃતિ વન: આઝાદીના 562 રજવાડાઓની સ્મૃતિમાં કચ્છમાં 7 સ્થળોએ સ્મૃતિવન બનાવાયા છે. ધોરડો ખાતે ભારતના નકશાના આકારમાં 562 વૃક્ષો સાથેના વનનું લોકાર્પણ કરાયું હતું.


comments powered by Disqus