અમદાવાદઃ સિરિયલ બ્લાસ્ટ હુમલામાં ગુજરાત પોલીસે માત્ર 19 જ દિવસમાં એ વખતે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આ બ્લાસ્ટ પ્રકરણમાં 8 લાખ જેટલા ફોનનો ડેટા એકત્ર કર્યો હતો અને તેમાંથી સૌથી વધુ સક્રિય હતા એવા 40 ફોન નંબર પર સતત વાતચીત થઈ રહી હોવાનું ખૂલતાં પોલીસે જૂહાપુરાથી સૌથી પહેલો આરોપી જાહીદ કુત્બુદ્દીન શેખને ઝડપી લીધો હતો.
એ વખતે સ્માર્ટફોન, એઆઇ ટેક્નોલોજી, જીપીએસ ટ્રેસિંગ કે ટ્રેકિંગ જેવી ટેક્નોલોજીનો લાભ લોકો સુધી હજુ તો પહોંચ્યો પણ નહોતો, છતાં પોલીસે માત્ર મોબાઇલ ફોનની વિગતોનું સ્માર્ટ એનાલિસીસ કરીને આખો ભેદ ઉકેલી નાખ્યો હતો.
પોલીસે આતંકીઓ દ્વારા જે-જે વિસ્તારોમાં બ્લાસ્ટ થયા તે વિસ્તારમાં તે સમયે કેટલા ફોન ચાલુ હતા તેવા 8 લાખ ફોનનો ડેટા એકત્ર કર્યો હતો. આ મોબાઇલના ડેટા શોર્ટઆઉટ કરાયા હતા, જેમાંથી છેલ્લા 100 મોબાઇલ નંબરવાળાને પોલીસ તપાસમાં લાવી હતી. આ 100 નંબર પૈકી 40 જેટલા નંબર પર સતત વાતચીત થતી હોવાનું જણાયું હતું, જેના આધારે પોલીસે મોબાઇલ પર સતત વાતચીત કરનારાની પૂછપરછ કરી અને તેમાંથી જ જુહાપુરામાં રહેતા જાહીદ કુત્બુદ્દીન શેખ બ્લાસ્ટમાં સામેલ હોવાનું ખૂલ્યું હતું. જેણે આ બ્લાસ્ટનું કાવતરું વડોદરાના રફીઉદ્દીન અને સફદર નાગોરી સહિતના લોકોએ ઘડ્યું હોવાની કબૂલાત કરી હતી.
