અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન અને પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદના ભાડજમાં 91 હજાર વારના મ્યુનિ. પ્લોટ પર પર્યાવરણ સંરક્ષણનો નવો ઇતિહાસ રચાયો. ‘મિશન ફાઇવ મિલિયન ટ્રીઝ’ અંતર્ગત 25 હજારથી વધુ સ્વયંસેવકો, મ્યુનિ. સ્ટાફ અને વિવિધ સંસ્થાઓએ સાથે મળીને મિયાવાકી પદ્ધતિથી માત્ર એક કલાકમાં 3.61 લાખ વૃક્ષો રોપી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અમદાવાદનું નામ અંકિત કર્યું છે. મેયર હિતેશ બારોટ અને કમિશનર બંચ્છાનિધિ પાની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત ગાંધીનગર લોકસભા વિસ્તારને ‘હરિયાળી લોકસભા’ બનાવવાના ઉદ્દેશ સાથે આ પ્રસંગે 101 ઓક્સિજન પાર્કની ઈ-બુકનું લોકાર્પણ અને વૃક્ષોના ત્રણ વર્ષ સુધી જતન માટે MoU પણ કરાયા હતા. આ પ્રસંગે શાહે કહ્યું હતું કે, આજે વૃક્ષો લાગશે તેના છાયામાં તમારાં પૌત્ર-પૌત્રી પણ બેસશે.

