ભુજઃ આંતરરાષ્ટ્રીય જળસીમામાં ચાલતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીના વિવાદનો એક વિચિત્ર પડઘો કચ્છના કંડલા (દીનદયાળ) પોર્ટ સુધી પડ્યો છે. ગુજરાત હાઇકોર્ટે કંડલા પોર્ટ પર લાંગરેલા તુર્કીના જહાજ ‘એમવી પેસિફિક હાર્મની’ની ધરપકડ કરવા કંડલા પોર્ટ અને કસ્ટમ ઓથોરિટીને આદેશ આપ્યો છે. આ આખો વિવાદ આશરે 3.05 કરોડ યુએસ ડોલરના માલસામાનને લગતો છે. આ દાવો દુબઈસ્થિત ‘MLB શિપિંગ’ દ્વારા જહાજના માલિક ‘ઇસ્તંબુલ મેરિટાઇમ’ વિરુદ્ધ કરાયો છે. કોર્ટે કંડલા પોર્ટ પ્રશાસનને ઈ-મેઇલ મારફતે આ વોરંટ બજાવવા અને જહાજને જળસીમાની બહાર જતું અટકાવવા કડક સૂચના આપી છે.
