ગુજરાતમાં હજુ સુધી 24.63 ટકા વરસાદ, ગયા વર્ષ કરતાં અડધો

Wednesday 15th July 2026 04:47 EDT
 
 

અમદાવાદઃ ગુજરાતમાં હજુ સુધી સરેરાશ 9 ઈંચ સાથે સિઝનનો 24.63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગતવર્ષે 9 જુલાઈ સુધી 19.45 ઈંચ સાથે સરેરાશ 48 ટકા વરસાદ નોંધાયો હતો, જ્યારે આ વખતે અત્યાર સુધી કચ્છમાં 0.37 ઈંચ સાથે 1.92 ટકા, ઉત્તર ગુજરાતમાં 4 ઈંચ સાથે 14 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 5.60 ઈંચ સાથે 17.31 ટકા, સૌરાષ્ટ્રમાં 8.30 ઈંચ સાથે 27.61 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 21 ઈંચ સાથે 34.70 ટકા વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગયા વર્ષે 9 જુલાઈ સુધી કચ્છમાં 57, ઉત્તર ગુજરાતમાં 42, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 45.58, સૌરાષ્ટ્રમાં 49.57 અને દક્ષિણ ગુજરાતમાં 51.75 ટકા વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હવે આગામી એક સપ્તાહ વરસાદની કોઈ સંભાવના નથી.
ડેમોમાં ઓછો જળસંગ્રહ
રાજ્યમાં ભારે વરસાદના પગલે જળાશયોમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમોમાં નવાં નીર આવતાં સિંચાઈ અને પીવાનાં પાણીની સમસ્યા માટે રાહતના સમાચાર છે. જો કે રાજ્યના હજુ ઘણા વિસ્તારો કોરા રહ્યા છે, પરિણામે અડધાથી વધુ ડેમ ખાલી જોવા મળી રહ્યા છે. સત્તાવાર આંકડા મુજબ રાજ્યના 109 ડેમોમાં હજુ પણ 25 ટકાથી ઓછું પાણી ઉપલબ્ધ છે.
રાજ્યના કુલ 206 ડેમ પૈકી 5 ડેમ સંપૂર્ણ છલકાયા છે, જ્યારે 17 ડેમમાં 70થી 100 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. 21 ડેમ એવા છે જેમાં 50થી 70 ટકા પાણી છે. આ ઉપરાંત 54 ડેમ 25થી 50 ટકા ભરાયા છે. જો કે 109 ડેમમાં હજુપણ 25 ટકાથી પણ ઓછું પાણી છે. સુરક્ષાના ભાગરૂપે 11 ડેમને ‘હાઈ એલર્ટ’ પર મૂક્યા છે. આ સિવાય 5 ડેમ ‘એલર્ટ’ પર અને અન્ય 7 ડેમોને ‘વોર્નિંગ’ કેટેગરીમાં રાખીને નીચાણવાળા વિસ્તારોને સાવધ કરવામાં આવ્યા છે. ગુજરાતની જીવાદોરીસમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં 2,17,088 એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે. ટૂંકમાં આ ડેમ 64 ટકા ભરાઈ ચૂક્યો છે, જે આગામી સમય માટે આશાસ્પદ ચિત્ર રજૂ કરે છે. સરદાર સરોવર સિવાયના રાજ્યનાં અન્ય 206 જળાશયોમાં હાલમાં 2,23,233એમસીએફટી પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ તમામ નાના-મોટા ડેમની કુલ સંગ્રહ ક્ષમતાના માત્ર 40.01 ટકા જેટલો જ છે.


comments powered by Disqus