ગાંધીધામઃ દેશનાં તમામ મહાબંદરોમાં પ્રથમ ક્રમે રહેલા દીનદયાળ પોર્ટ ઓથોરિટી પોર્ટ દ્વારા ઓછા સમયમાં જહાજમાં સૌથી વધુ માલ લોડિંગ કરીને કીર્તિમાન સ્થાપવામાં આવ્યો હતો. પોર્ટનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ તાજેતરમાં 22 કલાક અને 25 મિનિટમાં એમ.વી. બુઝાર્ડ નામના જહાજમાં 38,500 મેટ્રિક ટન બેન્ટોનાઇટનું સફળ લોડિંગ કરાયું હતું. આ કામગીરીથી પોર્ટની ઓપરેશનલ સિદ્ધિઓની યાદીમાં વધુ એક સીમાચિન્હ ઉમેરાયું છે. સાંજે 4 વાગ્યે શરૂ થયેલી લોડિંગ કામગીરી બીજા દિવસે બપોરે 2:30 વાગ્યે પૂર્ણ થઈ હતી.
આ કાર્યવાહી પોર્ટની ઓપરેશનલ શ્રેષ્ઠતા, કાર્યક્ષમતા અને વિશ્વકક્ષાના કાર્ગો હેન્ડલિંગ પ્રત્યે પોર્ટની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ રેકોર્ડ ડીપીએની ઝડપી જહાજ ટર્નઅરાઉન્ડ, વેપાર માટે વિશ્વસનીય લોજિસ્ટિક્સ સહયોગ સુનિશ્ચિત કરવાની ક્ષમતાને વ્યાપક રીતે દર્શાવે છે. ડીપીએના અધ્યક્ષ સુશીલકુમાર સિંઘે આ સિદ્ધિને પૂર્ણ કરવામાં સામૂહિક પ્રયાસો બદલ તમામ હિસ્સેદારો, બંદર વપરાશકર્તાઓ, ટ્રેડ યુનિયનો, અધિકારીઓ, કર્મચારીઓ અને શ્રમિકોને અભિનંદન પાઠવ્યા હતા.

