તાલિબાને ભારત તરફ પ્રેમ દર્શાવતાં કહ્યું, ‘અમારા ડીએનએ એક જ’

Wednesday 15th July 2026 05:45 EDT
 
 

નવી દિલ્હીઃ એક તરફ અફઘાનિસ્તાનના પાકિસ્તાન સાથેના સંબંધો સતત કથળી રહ્યા છે, જી તરફ અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર ભારત સાથેના સંબંધોને સતત સુધારવામાં પ્રવૃત્ત છે. આ અનુસંધાને અફઘાની કૃષિ, સિંચાઈ અને પશુપાલન પ્રધાન અતાઉલ્લાહ ઉમારીનો ભારત પ્રવાસ ઘણા અર્થોમાં મહત્ત્વપૂર્ણ છે. આ પ્રવાસ બદલાઈ રહેલાં પ્રાદેશિક સમીકરણો અને નવી કૂટનીતિક દિશાનો પણ મોટો સંકેત આપે છે. ભારત પહોંચતાં જ ઉમારીએ જે વાત કહી હતી તેણે આ પ્રવાસનું મહત્ત્વ વધારી દીધું છે. તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, ‘ભારત અને અફઘાનિસ્તાનનો સંબંધો કોઈ આજનો નથી, બલકે તે સદીઓ જૂનો છે.’
તેમણે કહ્યું હતું કે, અહીં આવ્યા બાદ મને લાગે છે કે, જાણે હું મારા જ પોતાના લોકોની વચ્ચે છું. મને ક્યારેય નથી લાગ્યું કે હું કોઈ અજાણ્યા દેશમાં છું. તેમણે કહ્યુ હતું કે, અમારું ડીએનએ એક છે. ઉમારીના આ નિવેદનને તાલિબાન તરફથી ભારત પ્રત્યે સકારાત્મક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. તાલિબાન ભારત પાસેથી અફઘાનિસ્તાન માટે ખેતી માટે આધુનિક ટેકનિક, સારું અને વિશ્વાસપાત્ર બિયારણ, ફળોના પ્રોસેસિંગ, કોલ્ડ સ્ટોરેજ અને કૃષિ પ્રોડક્ટ્સના સારા પેકેજિંગ અને વેચાણમાં મદદ ઇચ્છે છે. તે સિવાય અફઘાનિસ્તાને ભારતને ડેરી સેક્ટર, પોલ્ટ્રી, એનિમલ બ્રીડિંગ ક્ષેત્રોમાં રોકાણ કરવા પણ આમંત્રણ આપ્યું હતું.


comments powered by Disqus