ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને લઈ રાજકોટના યુવાને બનાવી સોલાર કાર

Wednesday 15th July 2026 04:47 EDT
 
 

રાજકોટઃ શહેરના પરેશભાઈ ચણિયારાએ પોતાની સર્જનાત્મકતા અને નવીન વિચારસરણીથી એક એવી મિની કાર તૈયાર કરી છે, જે હવે ચર્ચાનો વિષય બની છે. આ કારની ખાસિયત એ છે કે તે સૌરઊર્જાથી ચાલે છે. સતત વધી રહેલા પેટ્રોલના ભાવ વચ્ચે આ કાર સામાન્ય લોકો માટે ભવિષ્યમાં સસ્તો અને પર્યાવરણને અનુરૂપ વિકલ્પ બની શકે છે. આ અનોખી કાર તૈયાર કરવા અંદાજે રૂ. 2 લાખનો ખર્ચ થયો છે.
ઇંધણના વધતા ખર્ચના કારણે વાહન ચલાવવું મોંઘું બની રહ્યું છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે લોકો હવે વૈકલ્પિક ઊર્જાના સ્રોત તરફ વળ્યા છે. આવી સ્થિતિમાં રાજકોટના પરેશભાઈએ તૈયાર કરેલી આ સોલાર કાર લોકોને નવી દિશા બતાવે છે. કારની ઉપર લગાવવામાં આવેલી સોલાર પેનલ સૂર્યપ્રકાશથી ઊર્જા મેળવી વાહનને ચલાવવામાં મદદ કરે છે.
બેટરીથી પણ થશે ચાર્જ
આ મિની કાર માત્ર સૌરઊર્જા પર જ આધારિત નથી. જો સૂર્યપ્રકાશ ઓછો હોય અથવા જરૂરિયાત પડે તો આ કારને બેટરીથી પણ સરળતાથી ચાર્જ કરી શકાય છે. એટલે કે દિવસ દરમિયાન સોલાર ઊર્જાનો ઉપયોગ અને જરૂર પડે ત્યારે ઇલેક્ટ્રિક ચાર્જિંગ બંને સુવિધા ઉપલબ્ધ હોવાથી તેનો ઉપયોગ વધુ સરળ અને વ્યવહારુ બની જાય છે.
જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાઈ
કારને શહેરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરાઈ છે. હાલમાં પાર્કિંગની સમસ્યા વધી રહી છે. આવી સ્થિતિમાં આ મિની કારનું કોમ્પેક્ટ કદ તેને સરળતાથી પાર્ક કરવાની સુવિધા આપે છે. ભીડવાળા વિસ્તારોમાં પણ આ કારને પાર્ક કરવામાં ખાસ મુશ્કેલી પડતી નથી.


comments powered by Disqus