મોદી સ્ટેડિયમ પાસે 50થી વધુ દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું

Wednesday 15th July 2026 04:47 EDT
 
 

અમદાવાદઃ કોમનવેલ્થ અને ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને અમદાવાદના મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારનું ડેવલપમેન્ટ કરાશે, જેના ભાગરૂપે મનપાએ સાબરમતી જનપથ ત્રણ રસ્તાથી સ્ટેડિયમ તરફના રોડલાઇનના અમલની કામગીરી કરતાં 50થી વધુ દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું હતું.
જનપથ ત્રણ રસ્તાથી ડી-માર્ટ સુધી કોમર્શિયલ મિલકતોનું ડિમોલિશન કરાયું, જેમાં અંદાજે 50થી વધુ કોમર્શિયલ મિલકતોને તોડી રોડને પહોળો કરવામાં આવશે. કોમર્શિયલ મિલકતોને નોટિસ અપાઈ હતી, જે બાદ ગુરુવારે ડિમોલિશન હાથ ધરાયું હતું.
આ ડિમોલિશનને લઈ જેમની દુકાન તોડી પડાઈ એ સૂર્યાબહેન રાઠોડે જણાવ્યું હતું કે, અમારી 35 વર્ષથી દુકાન હતી. અમે પૈસા ભરીએ અમને સામે દુકાન આપો. ધંધા વગર અમે ક્યાં જઈએ? અન્ય એક દુકાનદાર બિપીન ચાવડાએ જણાવ્યું કે, દુકાનો તૂટવાથી રોજીરોટી છીનવાઈ ગઈ. હવે શું કરવાનું? વળતરની તો કોઈ વાત થઈ નથી. અહીં 60થી 70 વર્ષથી રહેણાક અને દુકાન આવેલી છે. વિકાસ સામે અમને કોઈ વાંધો નથી.


comments powered by Disqus