રામમંદિરના દાનની ચોરી આર્થિક જ નહીં, આસ્થા સાથે વિશ્વાસઘાતઃ ગેહલોત

Wednesday 15th July 2026 04:48 EDT
 
 

અમદાવાદઃ રાજીવ ગાંધી ભવન ખાતે વિશેષ પત્રકાર પરિષદને સંબોધતાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું કે, શ્રીરામ મંદિરના ફાળાની ચોરી આસ્થાના નામે રાજનીતિ અને દાનના નામે લૂંટ છે. ભગવાન શ્રીરામના નામે એકત્રિત કરાયેલો ફાળો પણ BJP-RSSની રાજકીય લૂંટનો ભોગ બન્યો છે. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ કરોડો ભારતીયોની આસ્થા, સંસ્કૃતિ અને નૈતિક ચેતનાના પ્રતીક છે. દેશના ખૂણેખૂણેથી ગરીબો, ખેડૂતો, શ્રમિકો, મહિલાઓ અને શ્રદ્ધાળુઓ પોતાની મહેનતની કમાણી, પોતાના દાગીના, પોતાની બચત અને પોતાની શ્રદ્ધા લઈને શ્રીરામ મંદિર નિર્માણ માટે ફાળો એકત્ર કર્યો.
ભાજ૫, આરએસએસ, વિશ્વ હિન્દુ પરિષદ અને સંઘ પરિવારે આશરે ત્રણ દાયકા સુધી ભગવાન શ્રીરામના નામે રાજનીતિ કરી, દેશના ગરીબ અને મધ્યમ વર્ગ પાસેથી શ્રીરામના નામે ફાળો એકત્ર કર્યો અને સત્તા મેળવી. આજે એ જ કરોડો રામભક્તો પૂછવા માટે મજબૂર છે કે ભગવાન રામના નામનો ફાળો કોના સંરક્ષણમાં લુંટાયો? જ્યારે ટ્રસ્ટની રચના વડાપ્રધાનની દેખરેખ હેઠળ થઈ હતી, તો આ કૌભાંડની જવાબદારી કોણ લેશે? જો બધું બરાબર હતું, તો ચંપત રાય અને અનિલ મિશ્રાનાં રાજીનામાં કેમ થયાં? જો કંઈ ખોટું નથી, તો સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસનો ડર શેનો છે?
ગેહલોતે વધુમાં જણાવ્યું કે, આ માત્ર આર્થિક કૌભાંડ નથી. આ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થા, વિશ્વાસ અને લાગણીઓ સાથે થયેલ ઘોર વિશ્વાસઘાત છે. પહેલી વખત કોઈ મંદિર આરએસએસ અને ભાજપના સીધા નિયંત્રણમાં આવ્યું અને લુંટાઈ ગયું.


comments powered by Disqus