લખપતમાં સિંચાઇનાં કામોના નામે ખનિજચોરી

Wednesday 15th July 2026 04:47 EDT
 
 

દયાપરઃ લખપત તાલુકામાં સરકારના સિંચાઇ વિભાગ અને જિલ્લા જળસ્રાવ વિકાસ એકમની મિલીભગતથી ખનિજ માફિયાઓનું સુનિયોજિત ખનિજચોરીનું મોટું કૌભાંડ ઘણા સમયથી ચાલી રહ્યું હોવાની ફરિયાદ ઊઠી છે. ડેમ, તળાવના બહાને કરોડો રૂપિયાની બેન્ટોનાઇટ ઊપડી ગઈ છે. નવીનતાની વાત એ છે કે, ડેમ અને તળાવના કામોની મંજૂરી બેન્ટોનાઇટ વિસ્તારમાં જ આપવામાં આવે.
છેલ્લાં બે વર્ષથી ખનિજ માફિયા ખુલ્લેઆમ સરકારને કરોડોનો ચૂનો લગાવી રહ્યા છે, જેમાં વગદાર આગેવાનોની આખી ટોળકી સામેલ છે. ભાજપ-કોંગ્રેસ પણ આ ધંધામાં એક જ હોવાનું કહેવામાં આવે છે. ઘણી વખત બે-ત્રણ વાહન, મશીન પકડાય અને તેના ચાલક કે માલિક સામે દંડનો ગુનો નોંધાય, પરંતુ મૂળ સુધી પહોંચવાની તસ્દીસુધ્ધાં કોઈ લેતું નથી. વાહનમાલિક રૂ. 10 લાખ કે તેનાથી વધુ રકમનો દંડ વારંવાર ભરે છે, પરંતુ આ રકમ આપનારાં મોટાં માથાં સામે ફરિયાદ પણ નથી થતી. કરોડોની ખનિજચોરીમાં કદાચ એકાદ વખત 10 લાખનો દંડ ભરવો પડે, તો પણ દરિયાનાં પાણીમાંથી લોટો ભરવા જેટલું જ છે.
સ્થાનિકોના કહેવા પ્રમાણે મૂરચબાણ, આશાલડી, સાયણ, જુલરાઇ, ડેડરાણી વિસ્તારમાં ડેમ-તળાવના વિસ્તારમાં ખનિજનો જથ્થો મળી આવે છે, પરંતુ અન્ય અંતરિયાળ વિસ્તારમાં આ ખનિજતત્ત્વો મળતાં ન હોવાથી ત્યાં ડેમ કે તળાવનાં કામ થતાં જ નથી. જાણકારોનું કહેવું છે કે, દિવસ દરમિયાન માટી કાઢી રાત્રે એકત્રિત કરેલો બેન્ટોનાઇટનો જથ્થો કચ્છ બહાર મોકલી આપવામાં આવે છે.
સરકારી ચોપડા મુજબના 7 જેસીબી મશીનો પકડાયાં અને બધાં છૂટી પણ ગયાં. વાહનો પકડાય એટલે વાહનમાલિકો સિંચાઈ વિભાગ કે જળસ્ત્રાવ વિકાસ નિગમનો વર્કઓર્ડર રજૂ કરી દે છે અને કામને કાયદેસરતા મળી જાય છે.


comments powered by Disqus