સુરતઃ સુરત શહેર પર ત્રાટકેલા 13 ઈંચ અનરાધાર વરસાદ અને ખાડી પૂરની સૌથી મોટી અને ઘાતક અસરો કાપડઉદ્યોગ પર જોવા મળી. વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ધરાવતા સુરતના ટેક્સટાઇલ સેક્ટરને આ વરસાદી આફતે રીતસર ઘૂંટણિયે લાવી દીધો છે. પ્રારંભિક અંદાજો અને વેપારી સંગઠનોના જણાવ્યા અનુસાર શહેરની 26થી વધુ પ્રમુખ ટેક્સટાઇલ માર્કેટોના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પૂરનાં પાણીમાં ડૂબી જતાં અંદાજે રૂ. 200 કરોડ કરતાં વધુનું આર્થિક નુકસાન થયું છે. કરોડો રૂપિયાના તૈયાર અને કાચા કાપડના તાંકા પાણીમાં ગરકાવ થઈ જતાં વેપારીઓની આંખોમાં આંસુ વહી રહ્યાં છે.
મંગળવારે પડેલા સાંબેલાધાર વરસાદના કારણે રિંગરોડ, સારોલી, લિંબાયત અને પરવત પાટિયા વિસ્તારની કાપડ માર્કેટો ટાપુમાં ફેરવાઈ ગઈ હતી. ડ્રેનેજ લાઇનો બ્લોક થવાથી અને ખાડીનાં પાણી બેક મારતાં 1000થી વધુ દુકાનો અને ગોડાઉનોમાં પૂરનાં પાણી ઘૂસી ગયાં હતાં. વહેલી સવારે જ્યારે વેપારીઓ માર્કેટ પહોંચ્યા ત્યારે દૃશ્યો જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. બેઝમેન્ટમાં 6 ફૂટ સુધી પાણી ભરાયાં હતા, જેના કારણે દુકાનોમાં રાખેલો કરોડો રૂપિયાનો કીમતી કાપડનો જથ્થો પલળી ગયો હતો. કાપડ બજારના અગ્રણી વેપારીઓએ જણાવ્યું હતું કે, મંગળવારે સાંજ સુધી પરિસ્થિતિ અંકુશમાં લાગતી હતી, પરંતુ મોડી રાત્રે ખાડીઓ ઓવરફ્લો થતાં અને વહીવટી તંત્રની બેદરકારીના કારણે પાણી અચાનક માર્કેટમાં ધસી આવ્યું હતું. રાત્રે માર્કેટો બંધ હોવાથી કોઈને પણ પોતાનો માલ સુરક્ષિત ઊંચા સ્થળે ખસેડવાનો મોકો જ મળ્યો નહોતો. ભારે વરસાદના કારણે રિંગરોડ ટેક્સટાઇલ માર્કેટ, સારોલી કાપડ બજાર, પરવત પાટિયા વિસ્તારની અંદાજિત 1000થી વધુ ગ્રાઉન્ડ ફ્લોર અને બેઝમેન્ટની દુકાનોમાં પાણી ભરાયાં હતાં. આ પાણીમાં દુકાનોમાં રાખેલાં કાપડ, મશીનરી, ઇલેક્ટ્રોનિક્સ અને લોજિસ્ટિક્સ ડૂબી જતાં અંદાજે રૂ. 200 કરોડથી વધુના સામાનનું નુકસાન થયું છે.

