નવી દિલ્હીઃ સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક રિપોર્ટ 2025-26 અનુસાર 2025માં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) સૈનિકોની તહેનાતીમાં ઘટાડો થયો છે, જ્યારે ભારતીય સેનાએ બધાં સેક્ટરોમાં પોતાની મજબૂત અને તૈયાર સ્થિતિ જાળવી રાખી છે. જેથી કોઈપણ ઊભા થતા પડકાર કે આકસ્મિક સ્થિતિનો અસરકારક રીતે સામનો કરી શકાય. જમ્મુ-કાશ્મીરમાં પણ સુરક્ષા સ્થિતિ નિયંત્રણમાં રહી. હિંસા અને વિરોધ પ્રદર્શનોમાં ઘટાડો થયો તથા પથ્થરમારાની ઘટના નોંધાઈ નથી. ઓપરેશન સિંદૂર દરમિયાન જમ્મુ-કાશ્મીર અને એલઓસી પર સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે, પરંતુ 10 અને 12 મેની ડીજીએસએમઓ સ્તરની વાતચીત પછી સ્થિતિ મહદ્અંશે સ્થિર રહેવા છતાં હજુ પણ અણધારી છે.
2025 દરમિયાન ઉત્તરી સીમાઓની સામે પીએલએની તહેનાતીમાં મહત્ત્વપૂર્ણ ઘટાડો થયો છે. ચીનની સેનાની લગભગ 10 કમ્બાઇન્ડ આર્મ્સ બ્રિગેડના આકારની ટુકડીઓ એલએસીને અડીને આવેલા વિસ્તારો અને પોતાનાં પારંપરિક તાલીમ ક્ષેત્રોમાં તહેનાત રહી, એટલે કે ચીને સીમા પર પોતાની સૈન્ય હાજરીને પહેલાંની સરખામણીએ સીમિત કરી, પરંતુ તેની સૈન્ય પ્રવૃત્તિ સંપૂર્ણ સમાપ્ત નથી થઈ. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, એલએસીનાં બધાં સેક્ટરમાં ભારતીય સેનાની તહેનાતી મજબૂત, સંતુલિત અને સંપૂર્ણ તૈયાર છે. સેનાએ બધાં ક્ષેત્રોમાં પોતાની સ્થિતિ એ રીતે જાળવી રાખી છે કે કોઈપણ સંભવિત ઈમર્જન્સી સ્થિતિ કે નવા પડકારનો સામનો કરી શકે.
સીમા પર ભારતીય સેનાની તહેનાતીને મજબૂત અને વ્યૂહાત્મક રીતે સક્ષમ બનાવી રાખી છે. ઉલ્લેખનીય છે કે ભારતીય સેના દ્વારા ચીની ઘૂસણખોરીને રોકવા માટે આ પગલાં લેવાયાં છે.

