અંબાજી મંદિરનો ધ્વજદંડ ક્ષતિગ્રસ્તઃ હવે 5 મીટર મોટી ધજા નહીં ચડાવાય

Wednesday 16th September 2026 06:26 EDT
 
 

અંબાજીઃ યાત્રાધામ અંબાજીમાં મંદિરના સોનાના શિખર પર 5 મીટરથી વધુ લાંબી ધજા ચડાવવા પર ગતવર્ષે પ્રતિબંધ મુકાયો હતો, જે આ વર્ષે પણ ભાદરવી પૂનમના મેળા સહિતના દિવસોમાં અમલી રહેશે. શિખર પર ચડાવવામાં આવેલી બાવન ગજ સહિતની લાંબી ધજાઓના કારણે 15 વર્ષ જૂના ધ્વજદંડને નુકસાન થઈ રહ્યું હોવાનું ટેકનિકલ સરવેમાં મુખ્ય કારણ સામે આવ્યું હતું, જેને લઈને શ્રદ્ધાળુઓની સલામતી માટે નાની ધજાઓ જ ચડાવવાનો નિર્ણય લેવાયો હતો.
યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે આવતાં શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે મંદિરના શિખર પર ધ્વજારોહણ કરે છે. જેમાં પણ ભાદરવી પૂનમના મેળામાં રાજ્યભરથી દૂરદૂરના અંતરેથી પગપાળા સંઘ લઈને આવતા માઇભક્તો બાવન ગજ સહિતની લાંબી ધજાઓ લઈ મંદિર પર ધ્વજારોહણ કરતા હોય છે.
દ્વારકામાં 156 ફૂટ સુધીની ધજા ચડે છે
ગુજરાતમાં આવેલાં મંદિરો પૈકી દ્વારકામાં 156 ફૂટ સુધીની ધજા ચડાવાય છે. જ્યાં 10 વર્ષ સુધીનું બુકિંગ થાય છે. સોમનાથજી મંદિર પર 27 ફૂટની ધજા ચડાવાય છે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિરના શિખર પર તો 2964 મીટરની ધ્વજાના આરોહણનો વિશ્વવિક્રમ નોંધાયો છે.


comments powered by Disqus