વડોદરાઃ ટેન્સાઇલ સ્ટીલ કંપનીવાળી જગ્યાના વિવાદમાં સંડોવાયેલો અમદાવાદનો બિલ્ડર ભાવેશ અમીન હજી ફરાર છે. ભાવેશ અમીન સામે અગાઉ પણ વડોદરામાં જમીન વિવાદમાં કાનૂની કાર્યવાહી થઈ છે. એક કેસમાં ફરિયાદ રદ થઈ ગઈ હતી, જ્યારે અન્ય કેસમાં સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં પકડાયેલા અને રિમાન્ડ પરના વડોદરાના બિલ્ડર અમિત શાહની ડીસીબી દ્વારા પૂછપરછ ચાલુ છે.
માંજલપુર વિસ્તારની ટેન્સાઇલ સ્ટીલ કંપનીમાં 87 ટકા શેરનો હિસ્સો ધરાવતા સંજય પટેલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, બોગસ લીઝ ડીડના આધારે રૂ. 10 કરોડ લઈ જમીન ભાડે આપી દેવાઈ છે. પોલીસે ડીડ બનાવવા બદલ ટેન્સાઇલ કંપનીના પૂર્વ ડાયરેક્ટર અમિત મૂકેશભાઈ શાહ, જમીન લીઝ પર લેનારા અમદાવાદના શ્રીમ કન્સ્ટ્રક્શનના ભાવેશ અમીન સહિત 8 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
આ કેસમાં પોલીસે કિશોર જગજીવનદાસ સુરતવાલા, નરેશ કનૈયાલાલ રાણા, મહેશ બાબુભાઈ પટેલ, જૈમિન જયંતભાઈ ગાંધી તથા ભૂમિષ્ઠ કાનજીભાઈ મકવાણાની ધરપકડ કરી હતી, જ્યારે એક આરોપી સુરેશ ગણપતભાઈ રાજપૂતનું અવસાન થયું છે. આ કેસમાં હાલ રિમાન્ડ પરના આરોપી અમિત શાહની પૂછપરછ કરી પોલીસ દસ્તાવેજોનું વેરિફિકેશન કરી રહી છે,જ્યારે અમદાવાદના બિલ્ડર ભાવેશ અમીન હજી વોન્ટેડ છે. ભાવેશ અમીન સામે વડોદરાના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં શ્રીમ શાલિનવાળી અલકાપુરી વિસ્તારની પ્રોપર્ટી અંગે કેસ થયો હતો. જો કે તે ફરિયાદ કોર્ટથી રદ થઈ હતી. આ ઉપરાંત મકરપુરા અને સમા વિસ્તારની જમીનના વિવાદ અંગે પણ કાનૂની કાર્યવાહી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ભાવેશ અમીન હાલ અમેરિકા હોવાનું જાણવા મળ્યું છે, તેની સામે લૂકઆઉટ નોટિસ પણ ઇશ્યૂ કરાઈ છે.

