ઉપલેટાઃ ગુજરાતમાં અનેક ઐતિહાસિક અને ચમત્કારિક મંદિરો છે, પરંતુ રાજકોટ જિલ્લાના ઉપલેટામાં એક એવું અનોખું મંદિર છે, જ્યાં ભક્તો સીધા જ ગજાનન સાથે પત્રવ્યવહાર કરે છે. ઉપલેટાના ઢાંક ગામમાં આવેલ સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં ગણપતિ મહારાજ સાક્ષાત બિરાજમાન હોવાની ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે. ગણેશ ચતુર્થીના પાવન પર્વે વહેલી સવારે શણગાર આરતી અને વૈદિક મંત્રોચ્ચાર સાથે મહાપૂજા યોજાઈ, ત્યારબાદ 1008 મોદકની આહુતિ સાથે ગણપતિ યજ્ઞનું આયોજન કરાયું. દર્શનાર્થીઓ માટે બપોરે મંદિર તરફથી મહાપ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ. આગામી 11 દિવસ ચાલનારા આ ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો એકત્ર થયા હતા.
અહીં આવતા ભક્તો પોતાના જીવનની કોઈપણ સમસ્યા, કષ્ટ કે સુખ-દુઃખની વાતો એક પત્રમાં લખીને ગજાનનને અર્પણ કરે છે. મંદિરના પૂજારી ભરતગિરિબાપુ દ્વારા આ પત્રો ગણપતિ દાદાનાં સાંનિધ્યમાં વાંચવામાં આવે છે અને અત્યંત ભાવપૂર્વક દાદાને ભક્તોની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરે છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં કોઈપણ ભક્ત પાસેથી ફંડ કે ફાળો લેવાતો નથી. ગણપતિ દાદાની પ્રેરણા અને આશીર્વાદથી જ ભક્તો સ્વેચ્છાએ ભેટ અર્પણ કરે છે.

