જામનગરઃ શહેરમાં ગણેશ ચતુર્થીના પર્વ નિમિત્તે સતત 18મા વર્ષે ‘ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગ્ય સ્પર્ધા’નું રોમાંચક આયોજન કરાયું હતું. શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટ્સથી બનેલા 100-100 ગ્રામના લાડુ ખાવાની આ સ્પર્ધામાં મહિલાઓ, સિનિયર સિટીઝન, યુવાનો અને બાળકો એમ ચાર કેટેગરીમાં કુલ 44 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ વખતે સ્પર્ધાના નિયમોમાં ફેરફાર કરીને સમયમર્યાદા 30 મિનિટથી ઘટાડીને માત્ર 15 મિનિટ રખાઈ હતી.
આયોજક સંસ્થાના પૂર્વ પ્રમુખ આનંદ દવેના જણાવ્યા અનુસાર, 18મા વર્ષની આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોની કેટેગરીમાં 13-13, સિનિયર સિટીઝન કેટેગરીમાં 13 અને બાળ વિભાગમાં 5 બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધકો માટે 100-100 ગ્રામ વજનના કુલ 250 ચોખ્ખા ઘી અને સૂકા મેવાયુક્ત લાડુ અને દાળ સાથે પિરસાયાં હતાં. સ્પર્ધકોને બે લાડુ સાથે બે ટોકન અપાયા હતા અને અંતે ટોકનની ગણતરી કરીને વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ટાઈ પડી ત્યાં ચિઠ્ઠી ઉછાળીને વિજેતા નક્કી કરાયા હતા.
મહિલા વિભાગમાં પદ્મિનીબહેન ગજેરા અને પ્રેમીલાબહેને 15-15 લાડુ આરોગતાં ટાઇ થઈ હતી. બાદમાં ચિઠ્ઠી ઉછાળાતાં પદ્મિનીબહેન ગજેરા પ્રથમ અને પ્રેમીલાબહેન વોરિયા દ્વિતીય ક્રમે રહ્યાં હતાં, જ્યારે મીનાબહેન તારપરા 7 લાડુ સાથે ત્રીજા ક્રમે રહ્યાં હતાં. યુવાન ભાઈઓના વિભાગમાં જગદીશભાઈ દવે અને પરેશભાઈ વડિયાએ 9-9 લાડુ આરોગતાં ટાઇ થઈ હતી, જેમાં ચિઠ્ઠી ઉછાળીને જગદીશભાઈ દવેને પ્રથમ અને પરેશભાઈ વડિયાને બીજા વિજેતા જાહેર કરાયા હતા. સિનિયર સિટીઝન વિભાગમાં ગંભીરસિંહ વાળા 12 લાડુ સાથે પ્રથમ, શૈલેશભાઈ વૈષ્ણવ 9 લાડુ સાથે બીજા અને ડો. નિલેશ કાલોલા 5 લાડુ સાથે ત્રીજા ક્રમે રહ્યા હતા. બાળવિભાગમાં વ્યોમ વ્યાસે 7, રિશીત આચાર્યએ 6 અને દીપ ખૂંટે 4 લાડુ આરોગીને અનુક્રમે પ્રથમ ત્રણ સ્થાન મેળવ્યાં હતાં.

