ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના બીજા દિવસે વિપક્ષે લીકરનું વેચાણ, પેપર લીક, આદિવાસી પ્રમાણપત્રોની ખરાઈ, રક્તપિત્ત, CCTV સુરક્ષા, અંગદાન અને ખાદ્યપદાર્થોમાં ભેળસેળ સહિતના વિવિધ મુદ્દે સરકારને સવાલો કર્યા. સરકાર દ્વારા લેખિત તેમજ ગૃહમાં અપાયેલા જવાબોમાં અનેક મહત્ત્વના આંકડા સામે આવ્યા હતા.
ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણને લઈ વિપક્ષના ઇમરાન ખેડાવાલા દ્વારા સવાલ કરાયો. જેનો ગૃહવિભાગે આંકડા રજૂ કરતાં જવાબ આપ્યો કે, છેલ્લાં 2 વર્ષ દરમિયાન ગિફ્ટ સિટીમાં 60,000 લિટરથી વધુ દારૂનું વેચાણ થયું છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલીટીમાં કુલ 60,354 લિટર વિદેશી દારૂનું વેચાણ થયું, જેનાથી રાજ્ય સરકારને રૂ. 87.39 લાખથી વધુની આવક થઈ. નાણાવિભાગ દ્વારા 23 જૂન 2026એ સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને ગિફ્ટ સિટીમાં વેચાતા વિદેશી દારૂ પરના વેટમાં આંશિક મુક્તિ આપવાની જાહેરાત કરી છે.

