દમણના કુખ્યાત સુખા પટેલની રૂ. 6.52 કરોડની મિલકતો EDએ ટાંચમાં લીધી

Wednesday 16th September 2026 06:25 EDT
 
 

અમદાવાદઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સુરતની ટીમે દમણના સુરેન્દ્ર ઉર્ફે સુખા પટેલ અને તેના સાગરીતો સામે ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ 8 સપ્ટેમ્બરે દમણ તથા ગુજરાતના વલસાડમાં આવેલી કુલ 17 સ્થાવર મિલકતોને પ્રોવિઝનલ રીતે ટાંચમાં લીધી છે. આ મિલકતોની કુલ કિંમત આશરે રૂ. 6.52 કરોડ હોવાનું EDએ જણાવ્યું છે. EDએ કુખ્યાત સુખાની કુલ રૂ. 13.85 કરોડની મિલકતો ટાંચમાં લીધી છે, જેની તપાસ ચાલી રહી છે.
EDની તપાસ દમણ પોલીસ, ગુજરાત પોલીસ તથા મુંબઈ પોલીસ દ્વારા સુરેન્દ્ર પટેલ ઉર્ફે સુખા અને તેના સાગરીતો સામેની વિવિધ FIRના આધારે શરૂ કરાઈ હતી. સુખા અને તેની ગેંગ સામે ભ્રષ્ટાચાર, ગેરકાયદે હથિયારો રાખવાં, હત્યા, ખંડણી, બનાવટી દસ્તાવેજો, પાસપોર્ટની બનાવટ તથા કોપીરાઇટના ભંગ સહિતના વિવિધ ગુનાના આક્ષેપો હતા. તપાસ દરમિયાન EDને જાણવા મળ્યું હતું કે, સુરેન્દ્ર જગુભાઈ પટેલ એટલે કે સુખાએ દમણમાં સ્ક્રેપ ટ્રેડિંગ અને ટ્રાન્સપોર્ટ સર્વિસના વ્યવસાયમાં એકહથ્થું પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું. હરીફ વેપારીઓને દૂર કરવા માટે ધમકી, ડર, દબાણ, બળપ્રયોગ તથા પોતાના ગુનાઇત રેકોર્ડથી ઊભા થયેલા આતંકનો ઉપયોગ કરીને તેણે આ વ્યવસાયમાં મોનોપોલી ઊભી કરી હોવાનો EDનો દાવો છે.


comments powered by Disqus