મુંબઈઃ બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મેનેજર રહી ચૂકેલી દિશા સાલિયાનના મોતના ચકચારી કેસમાં બોમ્બે હાઇકોર્ટના આદેશ પર સીબીઆઇએ એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆરમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, તેમના પુત્ર આદિત્ય ઠાકરે, અભિનેતા ડિનો મોરિયા અને સૂરજ પંચોલીનાં નામ છે. એફઆઈઆરમાં આદિત્ય ઠાકરેના બોડીગાર્ડ્સ, રિયા ચક્રવતી, શોવિક ચકવી, પૂર્વ પોલીસ અધિકારી સચિન વાગે, મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ, ડીસીપી વિશાલ ઠાકુર અને રોહન રોય સહિતના અનેક મોટાં નામ પર આરોપો મુકાયાં છે.
હવે આ મામલામાં સીબીઆઈ ગુનાઈત ષડયંત્ર રચવું, સામૂહિક દુષ્કર્મ, હત્યા અને પુરાવા સાથે ચેડાં કરવા જેવા એંગલ પર તપાસ કરશે. સાથે જ એ વાતની પણ તપાસ થશે કે એફઆઈઆરમાં સામેલ તમામ નામોની આ કેસમાં કેવી અને કેટલી ભૂમિકા રહી છે? આ પહેલાં હાઇકોર્ટે સીબીઆઈને એફઆઈઆર નોંધવા અને કેસની સંપૂર્ણ તપાસ અનુભવી વરિષ્ઠ અધિકારીની દેખરેખ હેઠળ કરવાનો આદેશ આપ્યો હતો. દિશાના પિતા સતિશ સાલિયાનનું નિવેદન પણ સીબીઆઈએ નોંધી લીધું છે. આ નવા ડેવલપમેન્ટથી મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે.
દિશા સાલિયાનનું મોત ક્યારે થયું હતું?
દિશાનું મોત 8 જૂન, 2020ના રોજ મુંબઈના મલાડમાં એક ઇમારતના 14મા માળેથી પડવાથી થયું હતું. આ ઘટનાના 6 દિવસ પછી જ 14 જૂન, 2020ના રોજ સુશાંતસિંહ પણ મુંબઈના બાંદ્રાસ્થિત પોતાના એપાર્ટમેન્ટમાં મૃત મળી આવ્યો હતો. દિશા કેસની શરૂઆતની તપાસ ત્રણ મહિનામાં બંધ કરી દેવાઈ હતી. પાછળથી સોશિયલ મીડિયા પર અલગ-અલગ દાવા બાદ 2023માં કેસ ફરી ખૂલ્યો અને SIT બનાવાઇ. 2025માં દિશાના પિતાએ તપાસમાં ખામીઓના આક્ષેપો કરતાં હાઈકોર્ટ સમક્ષ ન્યાયની માગ કરી હતી. ત્યારથી આ કેસની તપાસ ચાલુ છે.
અગાઉની તપાસમાં માલવણી પોલીસે તારણ કાઢયું હતું કે, આ આત્મહત્યાનો કેસ હતો. મુંબઈ પોલીસની SIT દ્વારા ડિસેમ્બર, 2023થી એપ્રિલ 2026 દરમિયાન બીજી તપાસ હાથ ધરાઈ હતી. જેમાં પણ એવું તારણ નીકળ્યું હતું કે આ ઘટના આત્મહત્યા હતી. હવે આ મામલે ત્રીજી તપાસ શરૂ કરાઈ છે. જે CBI દ્વારા કરાઈ રહી છે અને તેની FIR નોંધાઈ છે.
કેસ દબાવવા પ્રયાસ કરાયા
દિશાના પિતા સતિશ સાલિયાનનો આરોપ છે કે દિશા સાથે સામૂહિક દુષ્કર્મ આચરી તેની હત્યા કરાઈ હતી અને મામલાને દબાવી દેવાના પ્રયાસો થયા હતા. તેમણે આદિત્ય ઠાકરે સહિત અનેક લોકો વિરુદ્ધ FIRની માગ કરી હતી. તેમણે કહ્યું કે, હું 6 વર્ષથી આ દિવસની રાહ જોઈ રહ્યો હતો. આજે મને રાહત અનુભવાઈ રહી છે. દિશાના પિતાએ કહ્યું હતું કે ઘણા લોકોની તપાસ થવી જરૂરી છે. આ તપાસને ખોટી રીતે આપઘાતનો બેરેટીવ ઊભો કર્યો હતો. આ ઉપરાંત ખોટી રીતે પુરાવા ઊભા કરી કેસને દબાવવા પ્રયાસ કર્યો હતો. માલવણી પોલીસ સ્ટેશનના તમામ પોલીસકર્મીની તથા પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટરની તપાસ થવી જોઈએ.

