દેશના આર્ટિફિશિયલ સૂર્યનો ઉદય ગુજરાતથી થશે

Wednesday 16th September 2026 06:27 EDT
 

ગાંધીનગરઃ આર્ટિફિશિયલ સૂર્ય બનાવતા વિશ્વના ટોચના દેશોની હરોળમાં ભારતે પણ ખાસ્સી પ્રગતિ કરી છે. અમેરિકા, ચીન, રશિયા, જાપાન તથા દક્ષિણ કોરિયા જેવા વિશ્વના અગ્રણી દેશોની જેમ ભારતીય વિજ્ઞાનીઓએ પણ સૂર્યને ઝળહળાટ આપતી રિએક્શનની સૌથી શક્તિશાળી પ્રક્રિયાના પુનઃ નિર્માણના પ્રયોગો ગુજરાતની એક લેબોરેટરીમાં હાથ ધર્યા છે.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ સ્થિત એસએસટી-1 ટોકામાર્ક પર નવા શક્તિશાળી 82.6 ગિગાહર્ટ્ઝ, 400 કેવી ગાયોટ્રોનનું ઇન્સ્ટોલેશન કરી તેને કાર્યરત્ કરવાની સાથે જ આર્ટિફિશિયલ સૂર્ય એટલે કે કૃત્રિમ સૂરજ બનાવવાના ભારતના પ્રયાસોને વધુ એક મહત્ત્વની સફળતા પ્રાપ્ત થઈ છે. એસએસટી-1 એટલે કે સ્ટેડી સ્ટેટ સુપરકંડક્ટિંગ ટોકામાર્ક ભારતનું પ્રયોગાત્મક ફ્યુઝન મશીન છે, જેનો હેતુ તારાઓને ઊર્જા આપતી પ્રક્રિયાનું પુનઃ સર્જન કરવાનો છે.
પરંપરાગત પાવર પ્લાન્ટ્સની જેમ બળતણ તરીકે ઈંધણના ઉપયોગને બદલે, ફ્યુઝન રિએક્ટર લાઈટ એટોમિક ન્યુક્લેઈ પર દબાણ સર્જી ઊર્જાનું ઉત્સર્જન કરી અત્યાધિક તાપમાન અને દબાણ વચ્ચે તેમને એકબીજા સાથે જોડે છે. પ્લાઝમા સમગ્ર પ્રયોગના હાર્દમાં છે, જે એક અત્યંત ગરમ, ઈલેક્ટ્રિકલી ચાર્જ્ડ તત્ત્વ છે.
ભારતીય વિજ્ઞાનીઓએ અત્યાર સુધીમાં કરેલા ફ્યુઝનના પ્રયોગો હેઠળ તેમને પ્લાઝમાના તાપમાનને 200 મિલિયન ડિગ્રી સેલ્સિયસથી વધુ એટલે કે સૂર્યની સપાટીથી 20 ગણું વધારે કરવામાં સફળતા મળી છે. જો કે આટલી સફળતા પૂરતી નથી, આટલું ઊંચું તાપમાન મેળવવાથી પડકારોનો અંત નથી આવતો. સૌથી મોટી સમસ્યા આટલું અત્યાધિક તાપમાન ધરાવતા પ્લાઝમાને સ્થિર રાખી, ફ્યુઝન એનર્જીને વ્યવહારુ અને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવા લાંબો સમય સુધી નિયંત્રિત રાખવાનો છે. આ કાર્યમાં નવા ઇન્સ્ટોલ કરાયેલાં જાયરોટોનની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. જાયરોટોન એ એક શક્તિશાળી ઉપકરણ છે, જે હાઇ-ફ્રિકવન્સી માઇક્રોવેવ એનર્જી પેદા કરે છે.
નવી સિસ્ટમ આ ઊર્જા એસએસટી-1ના પ્લાઝમામાં એનર્જી દાખલ કરે છે, જેનાથી વિજ્ઞાનીઓને ગરમી અને તેના આત્યંતિક તાપમાનને જાળવી રાખવામાં મદદ મળે છે.


comments powered by Disqus