બારડોલીઃ એશિયાની સહકારી ક્ષેત્રની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેક્ટરીમાં ભાજપ પ્રેરિત શાસક જૂથનો સફાયો કરી ઐતિહાસિક વિજય મેળવનારી કિસાન પેનલે સત્તાની ધુરા સંભાળી લીધી છે. શનિવારે નવનિયુક્ત બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પ્રથમ સામાન્ય સભામાં પ્રમુખ તરીકે મૂકેશ પટેલ અને ઉપપ્રમુખ તરીકે અનિલ પટેલની સર્વાનુમતે વરણી કરાઈ હતી. બંને હોદ્દેદારો બિનહરીફ જાહેર થતાં જ સુગર પરિસરમાં ઉપસ્થિત સેંકડો ખેડૂત સમર્થકોએ ગુલાલ ઉડાડી અને ફટાકડા ફોડી વિજયની ભવ્ય ઉજવણી કરી હતી.
પરિણામો જાહેર થયા બાદ કિસાન પેનલના કેટલાક ડિરેક્ટર્સ ભાજપ કાર્યાલય ખાતે ખેસ પહેરી સન્માન સ્વીકારવા જતાં સભાસદોમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો હતો. વિરોધ એટલો તીવ્ર હતો કે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ જાહેરમાં ખુલાસા કરવા પડ્યા હતા. અંતે ‘દૂધના દાઝેલા છાશ પણ ફૂંકીને પીવે’ તે ન્યાયે ડિરેક્ટર્સે સભાસદોના જનાદેશનું સન્માન કરી ભાજપના જોડાણને ફગાવી દેવાનું મુનાસીબ માન્યું હતું.

