પટણાઃ નગરનિગમના વોર્ડ મેમ્બરથી લઈને દેશના રાષ્ટ્રપતિ પદ સુધીની 280 ચૂંટણી લડીને દેશભરમાં અનોખો રેકોર્ડ બનાવનારા નાગરમલ બાજોરિયા ઉર્ફે ‘ધરતીપકડ’નું 97 વર્ષની વયે નિધન થયું છે. બિહારના પટણાની PMCH હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભાગલપુરના પવિત્ર બરારી ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.
નાગરમલ બાજોરિયાએ દેશના અનેક રાજકીય દિગ્ગજો સામે ઉમેદવારી નોંધાવીને ભારે ચર્ચા જગાવી હતી. તેમણે ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી ઉપરાંત સંજય ગાંધી, અટલ બિહારી વાજપેયી અને એલ.કે. અડવાણી સામે ચૂંટણી લડી હતી. વર્ષ 1969 માં તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ઉમેદવાર વી.વી. ગિરી સામે અને 2012 માં પ્રણવ મુખર્જી સામે પણ રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમણે પોતાની છેલ્લી ચૂંટણી 2019 માં લડી હતી. ‘ધરતીપકડ’ પોતાની અનોખી પ્રચાર શૈલી માટે જાણીતા હતા. 2005ની ચૂંટણી દરમિયાન તેમણે ભ્રષ્ટાચાર સામે વિરોધ નોંધાવવા ગધેડાઓના ગળામાં રાજકીય ટિપ્પણીઓ વાળાં પાટિયાં લટકાવીને નામોનિર્દેશન રેલી કાઢી હતી.

