અમદાવાદઃ દાહોદમાં આવેલા રેલવેના લોકો વર્કશોપથી 9000 હોર્સપાવરની ક્ષમતા ધરાવતું ડીલ ઇલેક્ટ્રિક માલગાડી એન્જિન તૈયાર કરાયું છે. ભારે માલગાડીઓને લાંબા અંતર સુધી ખેંચવા બનાવાયેલું આ શક્તિશાળી એન્જિન દેશના માલવાહક રેલ વ્યવહારને વધુ મજબૂત બનાવશે.
રેલવે દ્વારા કોલસા, કાચો માલ, ઔદ્યોગિક સામગ્રી સહિતના મોટા જથ્થામાં માલસામાનનું પરિવહન કરાય છે. આવા ભારે જથ્થાને લાંબા અંતર સુધી લઈ જવા વધુ ક્ષમતાવાળાં એન્જિન જરૂરી બને છે, ત્યારે ગુજરાતના દાહોદમાં આવેલા રેલવેના લોકોમોટિવ વર્કશોપમાં આ પ્રકારની ક્ષમતા ધરાવતું 9000 હોર્સપાવરનું શક્તિશાળી ડીલ એન્જિન તૈયાર કરાયું છે, જે લાંબી અને ભારે માલગાડીઓને ખેંચવામાં મદદરૂપ બનશે. આમ માલસામાનની હેરફેરની ક્ષમતા વધારવામાં મદદ મળશે સાથે રેલવેના માલ પરિવહનને વધુ અસરકારક બનાવી શકાશે. દાહોદના લોકો વર્કશોપમાં આ પ્રકારનું શક્તિશાળી એન્જિન તૈયાર થવું એ સ્થાનિક સ્તરે પણ નોંધપાત્ર છે. દેશના ઉદ્યોગો અને વેપાર માટે માલસામાનની સતત અને મોટાપાયે હેરફેર જરૂરી હોવાથી રેલવેના માલ પરિવહન માટે આ એન્જિન મહત્ત્વનું બની રહેશે.

