ભુજમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે MGIS પોર્ટલ લોન્ચ કર્યું

કચ્છના મેન્ગ્રૂવ સંરક્ષણ માટે 27,652 હેક્ટરમાં કામગીરી પૂરી

Wednesday 16th September 2026 06:25 EDT
 
 

ભુજઃ કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે ભુજમાં એક ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ના સંરક્ષણ, ઘાસભૂમિના પુનઃ સ્થાપન અને પ્રોજેક્ટ ચિત્તાની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી.
મેન્ગ્રૂવ સંરક્ષણ પર વર્કશોપ
આ દરમિયાન મેન્ગ્રૂવ સંરક્ષણ, પુનઃ સ્થાપન અને લાંબા ગાળાના વ્યવસ્થાપન માટે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં આ બેઠક થઈ હતી. જેમાં ગુજરાતના દરિયાકાંઠાના મેન્ગ્રૂવના સંરક્ષણ પર ચર્ચા થઈ હતી. વર્કશોપમાં ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે મેન્ગ્રૂવને માત્ર વૃક્ષારોપણ તરીકે નહીં, પરંતુ જીવંત ઇકોસિસ્ટમ તરીકે જોવું જોઈએ. મેન્ગ્રૂવ જૈવવિવિધતા જાળવી રાખે છે, સાથે જ માછીમારી, કુદરતી આફતો સામે રક્ષણ, આબોહવા પરિવર્તન સામે ટકી રહેવા અને લોકોની આજીવિકા માટે પણ જરૂરી છે. 2023થી 2027 દરમિયાન 29,250 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ ફરીથી ઉગાડવાનું લક્ષ્ય છે.
ઘોરાડની વસ્તી વધારવાનો પ્લાન
બેઠકમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે કે ઘોરાડની નવી વસ્તી બનાવવાનો અને 200થી 500 ચોરસ કિલોમીટરનો સુરક્ષિત કુદરતી આવાસ વિકસાવવા અંગે ચર્ચા થઈ. હાલમાં કચ્છના લાલા-રાવ વિસ્તારને આ માટે પ્રાથમિકતા અપાઈ છે. આશરે 200 ચોરસ કિલોમીટરના આ વિસ્તારમાં ઘાસભૂમિનું પુનઃ સ્થાપન કરાશે.
પ્રોજેક્ટ ચિત્તાની પણ સમીક્ષા
બેઠક દરમિયાન પ્રોજેક્ટ ચિત્તાની પણ સમીક્ષા થઈ. મંત્રાલય મુજબ દેશમાં ચિત્તાની સંખ્યા વધીને 52 થઈ છે. આમાં ભારતમાં જન્મેલાં 49 બચ્ચાંનો સમાવેશ થાય છે. કૂનોમાં બચ્ચાંનો જીવિત રહેવાનો દર 68 ટકા છે. ગુજરાતના બન્ની સહિતના વિસ્તારોને ચિત્તા માટે સંભવિત રિલીઝ સાઇટ તરીકે ઓળખવામાં આવ્યા છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે વન્યજીવ સંરક્ષણની સફળતા ફક્ત પ્રાણીઓની સંખ્યા વધારવાથી નહીં મળે. તેમના સમગ્ર કુદરતી આવાસ, ખોરાકની ઉપલબ્ધતા અને પર્યાવરણીય જોડાણને મજબૂત બનાવવાથી જ તે નક્કી થશે.


comments powered by Disqus