મોરબીઃ સૌરાષ્ટ્રની મોરબી, ખાંભા અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીનાં પરિણામો ગુરુવારે જાહેર થયાં હતાં, જેમાં મોરબી યાર્ડના પરિણામે સૌને ચોંકાવી દીધા છે. મોરબીના જેતપર ગામે વીજલાઇન વળતર મુદ્દે ચાલેલા ખેડૂત આંદોલનની સીધી અસર ચૂંટણી પર જોવા મળી હતી. ખેડૂતોના આક્રોશ સામે ભાજપ સમર્થિત સહકાર પેનલનો પરાજય થયો છે અને કોંગ્રેસ પ્રેરિત ‘ખેડૂત પરિવર્તન પેનલ’નો ભવ્ય વિજય થયો છે. આ જીત સાથે કોંગ્રેસ પ્રેરિત પેનલે મોરબી યાર્ડ પરના ભાજપના 20 વર્ષ જૂના એકચક્રી શાસનનો અંત આણ્યો છે. મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે ભારે રસાકસી જોવા મળી હતી. લલિતભાઈ કગથરા અને મનોજભાઈ પનારાના નેતૃત્વવાળી કોંગ્રેસ પ્રેરિત પેનલે ખેડૂત વિભાગની 10 પૈકી 7અને વેપારી વિભાગની 4 પૈકી 2 બેઠકો કબજે કરી સ્પષ્ટ બહુમતી મેળવી છે.

