અમરેલીઃ જિલ્લામાં એક મોબાઇલ એપ્લિકેશન દ્વારા રોકાણ પર દૈનિક ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાનું આંતરરાજ્ય સાઇબર કૌભાંડ આચરાયું હોવાનો પર્દાફાશ થયો છે. રાજ્યના ગાંધીનગર, અમદાવાદ, મહેસાણા, કચ્છ અને સુરત જેવાં મહાનગરોથી મોટી સંખ્યામાં નાના રોકાણકારો આ છેતરપિંડીનો ભોગ બન્યા છે. આ કેસમાં 6 આરોપીઓની સાથે બે મુખ્ય સૂત્રધારની ઓડિશાથી તેમની કાર સાથે ધરપકડ કરી લેવામાં આવી છે.
આ કરોડોના કૌભાંડને આચરવા માટે એસ.ડી. હબ, શિવ ધરતી કોમ્યુનિકેશન અને ઉપાય ડીજી જેવી કુલ 7 બોગસ કંપની ઊભી કરાઈ હતી. આ કંપનીઓનાં અલગ અલગ 15 બેન્ક એકાઉન્ટમાં રૂ. 635 કરોડથી વધુ રકમનાં ટ્રાન્ઝેક્શન અને જમા રકમ મળી આવી છે. એપ્લિકેશન બનાવીને પ્લે સ્ટોર પર મુકાઈ હતી, જેના 10 લાખથી વધુ ડાઉનલોડ્સ નોંધાયાં છે. એપ્લિકેશનમાં રૂ. 1 હજારથી 5 લાખ રૂપિયા કે તેથી વધુના રોકાણ પર દૈનિક 0.15 ટકાથી 0.30 ટકા સુધીનું કેશબેક આપવાની લાલચ અપાતી હતી. આ સિવાય બિલ પેમેન્ટ, મોબાઇલ રિચાર્જ અને રેફરલ સિસ્ટમથી 30 ટકા સુધીનું બોનસ આપીને વધુ લોકોને નેટવર્કમાં જોડવામાં આવતા હતા. NCCAP પોર્ટલ પર પણ આ કંપનીઓના ખાતાં વિરુદ્ધ દેશભરથી 83 જેટલી સાઇબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ ચૂકી છે.

