વિઘ્નહર્તાના આગમન સાથે વરસાદનું પુનરાગમનઃ ખેડૂતોને હાશકારો

Wednesday 16th September 2026 06:28 EDT
 
 

અમદાવાદઃ રાજ્યભરમાં મેઘરાજાની બીજી સાર્વત્રિક અને વ્યાપક મહેર શરૂ થતાં 259 તાલુકામાં વરસાદ થયો હતો. ગ્રામ્ય વિસ્તારથી લઈને મહાનગરો સુધી અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા, જેનાથી દોઢ મહિનાથી સારા વરસાદની રાહ જોતા ખેડૂતોને ભારે રાહત થઈ છે. છેલ્લા બે દિવસના વરસાદના કારણે જળાશયોમાં નવાં પાણીની આવક શરૂ થતા સરકારી તંત્રને પણ હાશકારો થયો છે. રાજ્યમાં વાવેતર વિસ્તારમાં વધારો થતાં 96,39 ટકા થયું છે. આ સાથે સિઝનનો કુલ સરેરાશ વરસાદ 83 ટકા થયો છે.
ઉના તાલુકાના દરિયાઈ પટ્ટામાં આવેલા પાલડી અને કેસરિયા ગામમાં સોમવારે મોડી રાત્રે પડેલા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. રાતે 4 કલાકમાં 8 ઈંચથી વધુ વરસાદ પડતાં ગામના રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા હતા. 200થી વધુ ઘરોમાં પાણી ઘૂસી જતાં અનાજ સહિત બધી ઘરવખરી પલળી ગઈ છે. આ પરિવારોએ આખી રાત પાણીમાં કાઢવી પડી હતી. આ નુકસાન જતાં ગ્રામજનો દ્વારા નુકસાન સામે વળતરની માગ કરવામાં આવી છે, બીજી બાજુ સરપંચ કે કોઈ અધિકારી ન ફરકતાં રોષ પણ વ્યક્ત કર્યો.
ઉનાના પાલડીમાં 200 ઘરોમાં પાણી ફરી વળ્યાં
ઉનાના પાલડી ગામના નીચાણના વિસ્તારોમાં રાત્રે વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતાં અનેક ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી, અનાજ અને અન્ય સામાન પાણીમાં પલળી ગયો હતો. પરિવારોને બાળકો અને ઘરનો સામાન બચાવવાની સાથે રાતભર જાગીને પાણી ઓસરવાની રાહ જોવી પડી હતી. સ્થાનિક આગેવાનના જણાવ્યા મુજબ પાલડીમાં આશરે 200 ઘરો વરસાદી પાણીથી અસરગ્રસ્ત થયાં હતાં. અચાનક પાણી ઘૂસી આવતાં લોકોમાં ચિંતા ફેલાઈ હતી. સ્થાનિકોએ રાત્રે વહીવટી તંત્રને જાણ કરી હોવા છતાં તેમના જણાવ્યા મુજબ તંત્રની ટીમ સ્થળ પર પહોંચી નહોતી.
ડેમની શું સ્થિતિ?
દક્ષિણ ગુજરાતથી લઈને કચ્છ અને પૂર્વ-મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં પણ ભારેથી હળવો વરસાદ થતાં નાગરિકોને રાહત થઈ છે. જો કે દક્ષિણ ગુજરાત અને પૂર્વ-મધ્ય ગુજરાતની સરખામણીમાં હજુ સિઝનના સરેરાશ વરસાદની ટકાવારી ઓછી છે. ભારે વરસાદના કારણે નવાં નીરની આવકથી 206 ડેમ પૈકી 35 ડેમ હાઇએલર્ટ પર, 16 એલર્ટ અને 8ને વોર્નિંગની કેટેગરીમાં મુકાયા હતા. કુલ જળાશયો પૈકી 21 ડેમ સો ટકાથી વધુ ભરાયા છે અને 38 ડેમ 70 ટકાથી 100 ટકા સુધી ભરાયા છે. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતા 65 જેટલા માર્ગને વાહનવ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી છે. જેમાં છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં મળીને 2 નેશનલ હાઇવે, 61 પંચાયત હસ્તકના માર્ગ અને 2 અન્ય માર્ગનો સમાવેશ થાય છે.
રાજ્યમાં 96.39 ટકા વાવેતર
વરસાદના પુનઃ આગમનથી સૌથી વધુ આનંદ ખેડૂતોને થયો છે. 14 સપ્ટેમ્બર સુધીના આંકડા પ્રમાણે રાજ્યમાં કુલ 96.39 ટકા જેટલું વાવેતર થયું છે, છતાં ગતવર્ષે આ સમયગાળા કરતાં હાલ 1.39 લાખ હેક્ટર જેટલું ઓછુ છે. જો કે અગાઉની સરખામણીમાં ધાન્ય પાક અને કઠોળનું મોટાપાયે વાવેતર થઈ જવા પામ્યું છે. હવામાન વિભાગ દ્વારા હજુ વરસાદની આગાહી હોવાના કારણે માતબર પાકના ઉપજની આશા ઊભી થઈ છે.
ઉમરપાડામાં એકસાથે 5 ઇંચથી વધુ વરસાદ
શનિવારે સવારથી રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થતાં રાતે 10 વાગ્યા સુધીમાં સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 4.88 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કુલ 41 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ સાથે 138 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે. વરસાદના આગમનથી ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.
ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર
શનિવારે 44 દિવસ બાદ પાટણના ચાણસ્મામાં 1.57 ઈંચ, હારીજ અને શંખેશ્વરમાં 1.14 ઇંચ, સમીમાં 1.06 ઇંચ, સિદ્ધપુરમાં 1 ઈંચ નોંધાયો છે. બનાસકાંઠામાં દાંતામાં 2.09 ઇંચ, વડગામમાં 1.77 ઇંચ વરસાદ થયો. વરસાદની ખેંચ બાદ જમીનમાં ભેજનું પ્રમાણ વધતાં કપાસ અને કઠોળના પાકને જીવતદાન મળ્યું છે.
મધ્ય ગુજરાતનું બોરસદ જળબંબાકાર
34 દિવસના લાંબા વિરામ બાદ સમગ્ર જિલ્લામાં સરેરાશ 4 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં બોરસદમાં માત્ર 2 કલાકમાં જ સવા પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ વરસાદથી ખેડૂતો ખુશ છે, કારણ કે જિલ્લાના 1.10 લાખ હેક્ટરમાં વાવેલા ડાંગર અને બાજરીના પાકને પાકટ અવસ્થાએ પાણી મળતાં ઉત્પાદન વધવાની આશા જાગી છે.
જામનગર-દ્વારકામાં ખેતીને નવજીવન
સૌરાષ્ટ્રમાં જ્યાં સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો તેવા રાજકોટ, જામનગર અને દ્વારકામાં 42 દિવસ બાદ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ લાંબા અંતરાલ બાદ રાજકોટમાં 4 ઇંચ સુધી વરસાદ પડ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકાના ધ્રોલમાં 49 મિમી, ભાણવડમાં 35 મિમી વરસાદ વરસ્યો છે. જેનાથી રાજકોટ અને જામનગરમાં સુકાતા કપાસ અને મગફળીના પાકને જીવનદાન મળ્યું છે.
કચ્છની વરસાદની રાહ સંતોષાઈ
મંગળવારે કચ્છના માંડવીમાં 7 ઈંચથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નદીઓ બે કાંઠે વહેવાની સાથે શહેરી વિસ્તારોમાં પણ કમર સુધીનાં પાણી વહ્યાં છે. અબડાસામાં બે ઈંચ અને મુન્દ્રામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ વરસાદથી ખેડૂતો અને વરસાદની અછતથી પરેશાન લોકોને નવું જીવન મળ્યું છે અને ડેમમાં પાણીની વખતસરની આવક નોંધાઈ છે.
દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ; સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ; ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા જિલ્લામાં અને મધ્ય ગુજરાતમાં મહિસાગર, ભરૂચ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, નર્મદા જિલ્લામાં વરસાદ નોંધાયો છે.


comments powered by Disqus