વિધાનસભામાં વંદે માતરમ્ ગવાતું હતું ત્યારે MLA ખેડાવાલા નીચે બેસી ગયા

Wednesday 16th September 2026 06:27 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આરંભે જ વિવાદમાં ઢસડાયું હતું. બુધવારની બપોરે જયારે ‘વંદે માતરમ’ ગાન શરૂ થયું ત્યારે ગૃહમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યો. અધિકારીઓ અને જેઓ વૈધાનિક-સંસદીય કાર્યવાહીનો ભાગ નથી તેવા સૌકોઈ પોતાના સ્થાન પર ઊભા થઈ રાષ્ટ્રગીતનું સન્માન કરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા ‘વંદે માતરમ’ની અધવચ્ચે જ પોતાની ખુરશી પર બેસી ગયા હતા. તેમના આવા વલણને શાસક પક્ષ ભાજપે રાષ્ટ્રગીતનું અપમાન ગણાવ્યું છે અને કડક કાર્યવાહી કરવા અધ્યક્ષને ફરિયાદ કરી છે.
સત્રના આરંભે ‘વંદે માતરમ’ના ગાનની પહેલી બે પંક્તિઓ પછી જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય પોતાના સ્થાને બેસી ગયા હતા. જો કે, આ વેળા કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી સહિત ગૃહમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યો ‘વંદે માતરમ’નું સંપૂર્ણ ગાન થયા પછી જ બેઠા હતા, પરંતુ ખેડાવાલાની આવી હરકતથી શાસક પક્ષ ભાજપને સામે ચાલીને કોંગ્રેસે મુદ્દો પકડાવ્યાનું ચિત્ર ઉપસ્યું છે. પ્રશ્નકાળ બાદ પહેલા દિવસે શોકદર્શક પ્રસ્તાવને કારણે બપોર પછીનું કામકાજ મુલતવી રહેવાનું હોવાથી શાસક પક્ષથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગૃહની અંદર જ અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું ધ્યાન દોરવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ અધ્યક્ષે શોક પ્રસ્તાવ પછી ચર્ચા શક્ય ન હોવાનું કહીને તેમને અટકાવ્યા હતા.
અલબત્ત સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે અધ્યક્ષને કોંગ્રેસના ધારાસભ્યના આવા વલણ સંબંધે કાર્યવાહી કરવા ફરિયાદ કર્યાનું જણાવ્યું હતું. ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે, 'કોંગ્રેસ પક્ષે રાષ્ટ્રગીતની ફક્ત પહેલી બે પંક્તિ જ ગાવાની પરંપરાને અનુસરવાનું નક્કી કર્યું છે, જે આજના સત્રારંભે પણ હું ગાઈ રહ્યો હતો. વધારાની પંક્તિઓ ગાવામાં આવતાં હું મારી જગ્યાએ
બેસી ગયો છું. ભાજપના નેતાઓ મેં વંદે માતરમનું અપમાન કર્યાનો આક્ષેપ કરે છે, જે મને
સ્વીકાર્ય નથી.’


comments powered by Disqus