રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા આયોજિત ઝવેરચંદ મેઘાણી અને હેમુ ગઢવી એવોર્ડ સમારંભ યોજાયો. આ સમારોહમાં મોરારિબાપુએ કહ્યું હતું કે, મેઘાણી અને હેમુ ગઢવી જેવા લોકો પંચયજ્ઞ કરનારા મહાનુભાવો છે અને આવા એવોર્ડ સહિતના પ્રકલ્પો થકી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ પંચયજ્ઞ કરે છે. બાપુએ કહ્યું કે, શિષ્ટ સાહિત્ય તો તેના સ્થાને મહાન છે જ, પરંતુ લોકસાહિત્ય એટલા માટે ટક્યું છે કે તે ઇષ્ટ સાહિત્ય છે.
યુનિવર્સિટી પરિસરમાં નિર્માણ પામેલા સભાગૃહમાં યોજાયેલા સમારોહમાં પત્રકાર-સંશોધક રાજુલ દવેને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ અને બિહારીદાન ગઢવીને હેમુ ગઢવી એવોર્ડ અર્પણ કરાયા બાદ મોરારિબાપુએ કહ્યું કે, પાંચ પ્રકારના યજ્ઞનું શાસ્ત્રમાં વર્ણન છે. દ્રવ્ય યજ્ઞ, તપ યજ્ઞ, યોગ યજ્ઞ, સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાનયજ્ઞ. મેઘાણી બાપા, હેમુ ગઢવી સહિતના અનેક સાક્ષરો અને કલાકારો આ પાંચ યજ્ઞ કરતા આવ્યા છે. તપ યુનિવર્સિટીએ પણ કરવું જોઈએ. તપ વગર તેજ ન હોય, તેજ વગર શ્રી ન હોય અને શ્રી વગર પ્રજ્ઞા ન હોય.
બાપુએ કહ્યું કે, સંસ્કૃતના વિદ્વાન યાસાકાચાર્યે ત્રણ પ્રકારના શબ્દોની વાત કરી છે. એક જે શાશ્વત છે, બીજો કાલગત છે અને ત્રીજો શબ્દ કવિતામાં ઉપયોગમાં લેવાય છે. મને ક્યારેક વિચાર આવે કે, કયો શબ્દ શાશ્વત છે? મને એમ લાગે છે કે, સંસ્કૃત શબ્દની શાશ્વતી કાલાંતરે ઓછી થઈ છે. વાલ્મીકિ રામાયણ મહાન છે, પરંતુ લોકો સુધી ન પહોંચ્યું. ઝવેરચંદ મેઘાણીએ લખીને અને હેમુભાઈએ ગાઈને શબ્દોને સુદૃઢ કર્યા છે.

