સુરતઃ આમ આદમી પાર્ટી પર ટિકિટના બદલામાં નાણાં લેવાના આક્ષેપો સાથે વિવાદ વકર્યો છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં વોર્ડ નં. 1-2ના પ્રભારી ઓમપ્રકાશ સામે રૂ. 18 લાખની સોદાબાજી કરી નાણાં પડાવ્યાંની ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી નવનીત નાવડિયાએ આક્ષેપ કર્યો કે, પત્ની માટે ટિકિટ અપાવવાના બહાને સુરત આપ પ્રભારી ઓમપ્રકાશ દ્વારા રૂ. 18 લાખ માગવામાં આવ્યાં હતાં. બાદમાં સોદો રૂ. 8 લાખમાં નક્કી થયો હતો. સોદાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ખળભળાટ મચ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે, જેણે ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધાર્યો છે.
ચૂંટણીના બે દિવસ પહેલાં ઓમ પ્રકાશ સામે ટિકિટના બદલે નાણાં માગવાનો વીડિયો વાઇરલ થયો હતો. AAPના પૂર્વ પ્રમુખ મહેન્દ્ર નાવડિયાના પિતરાઈ નવનીત નાવડિયાએ આક્ષેપ કર્યો કે તેમનાં પત્ની લિપ્સાની ટિકિટ માટે રૂ. 18 લાખ માગ્યા હતા. જો કે સોદો અંતે રૂ. 8 લાખમાં નક્કી થયો હતો અને ટુકડે-ટુકડે નાણાં ચુકવાયાં હતાં. નાણાં લેવા છતાં પત્નીને ઉમેદવાર ન બનાવતાં નવનીત નાવડિયાએ વીડિયો વાઇરલ કર્યો હતો. આ કૌભાંડમાં ઓમપ્રકાશ અને આકાશ મિશ્રા સામે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પૈસા માગતા આરોપીઓએ ફોન બંધ કરી દીધા હતા. કોલ રેકોર્ડિંગ અને ફૂટેજના આધારે ભારતીય ન્યાયસંહિતા મુજબ કાર્યવાહી માટે પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે.

