હિંમતનગર: શામળાજી હાઇવે પર સહયોગ કુષ્ઠરોગ યજ્ઞ સંસ્થાના સ્થાપક, પદ્મશ્રીથી સન્માનિત તથા કુષ્ઠરોગી પરિવારોની સેવા કરવામાં જીવન વ્યતિત કરનારા સુરેશભાઈ સોનીનું 82 વર્ષની વયે ગુરુવારે રાત્રે હૃદયરોગનો હુમલો આવતાં નિધન થયું.
શુક્રવારે તેમની અંતિમયાત્રામાં સંસ્થાના અનેક પરિવારો, ગ્રામજનો સહિત વિવિધ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ અને જિલ્લા કલેક્ટર તથા અન્ય અધિકારીઓએ ઉપસ્થિત રહી મૃતકના પરિવારને સાંત્વના પાઠવી હતી. સુરેશભાઈ સોનીએ પોતાનું જીવન કુષ્ઠરોગીઓની નિઃસ્વાર્થ સેવા માટે સમર્પિત કર્યું હતું. તેમણે હિંમતનગરના રાજેન્દ્રનગર વિસ્તારમાં સેવા આશ્રમની સ્થાપના કરી હતી, જ્યાં વર્ષોથી કુષ્ઠરોગીઓની નિષ્ઠાપૂર્વક સેવા કરાતી હતી. સમાજના પીડિત વર્ગ માટે તેમની સેવાભાવના હંમેશાં પ્રેરણારૂપ રહી છે. તેમના અવસાનથી સેવાક્ષેત્રે મોટી ખોટ પડી છે. ઉલ્લેખનીય છે કે, અપંગ અને માનસિક અસ્વસ્થ બાળકોની વર્ષોથી સેવા કરતા સહયોગ કુષ્ઠયજ્ઞ આશ્રમના સંચાલક સુરેશભાઈ સોની વર્ષો અગાઉ બરોડા કોલેજની અધ્યાપકની નોકરી છોડી રોગીઓને તથા માનસિક અસ્વસ્થ બાળકોની સેવામાં અંતિમ શ્વાસ સુધી જીવંત રહીને સેવાકાર્યો કર્યાં હતાં. સુરેશભાઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે વર્ષ 2022માં દિલ્હીમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

