કેસરિયો લહેરાયો સ્થાનિક સ્વરાજમાં

વિધાનસભા ચૂંટણીની સેમિ ફાઇનલ સમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે તમામ 15 મહાનગરપાલિકા કબજે કરીને કોંગ્રેસના સૂપડાં સાફ કરી નાંખ્યા છે

Wednesday 29th April 2026 05:23 EDT
 
 

અમદાવાદઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મંગળવાર - 28 એપ્રિલે પરિણામો જાહેર થતાં જ રાજ્યભરમાં કેસરિયો છવાઇ ગયો છે. 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે યોજાયેલી ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે મતગણતરી પહેલા જ કુલ 10 હજાર બેઠકોમાંથી 732 બેઠકો બિનહરીફ થઈ હતી.
ભાજપે 2021ની ભવ્ય જીતનું પુનરાવર્તન કર્યું છે. તમામ 15 મનપા પર કબ્જો મેળવ્યો છે. 84 નગરપાલિકામાંથી 78 ભાજપે અને 6 કોંગ્રેસે જીતી છે. 34માંથી 33 જિલ્લા પંચાયતમાં ભાજપ શાસન કરશે. 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને ફાળે 253 જ્યારે માત્ર સાતમાં કોંગ્રેસ તથા ‘આપ’ને જીત મળી છે. ભાજપે 2021ની જેમ જ આ વખતે પણ 100 ટકા મનપા કબ્જે કરી છે. જ્યારે 95 ટકા નગરપાલિકા, 97 ટકા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો જીતી છે. હાલ 97 ટકા સાંસદ અને 90 ટકા ધારાસભ્યો પણ ભાજપના છે. આમ આ વખતે ગત વખત કરતા પણ મોટો વિજય મેળવ્યો છે.
આ પરિણામોની સીધી અસર 2027ની વિધાનસભા ચૂંટણી પર થશે એટલે કે ફરી સત્તા તો મળશે જ પણ 2022ની વિધાનસભા કરતા પણ જ્વલંત વિજય મળે તો નવાઈ નહીં. જો કોઈ નવી રાજકીય ઉથલપાથલ કે મુદ્દો ન નડે તો 2027માં ભાજપ 160 કરતાં વધુ બેઠકો મેળવે તેવી પૂરી શક્યતા છે.
વિશ્વકર્માનું માઇક્રો મેનેજમેન્ટ
સમગ્ર ચૂંટણીનું ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ માઇક્રો મેનેજમેન્ટ કર્યું હતું. રાજ્યભરમાં ડોર-ટુ-ડોર પ્રચાર સાથે ગ્રૂપ મીટિંગ પર ભાર મૂકી સૌને સાથે લઈને ચાલવાની નીતિ અપનાવી હતી. ચૂંટણી દરમ્યાન ભાજપે તમામ જિલ્લાઓ તથા તાલુકાઓમાં ગ્રુપ મિટિંગ અને સામાજિક બેઠકો કરી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે બૂથ લેવલથી વોટ બેન્ક સુધી પહોંચવા માટે આખું પ્લાનિંગ ઘડ્યું હતું.
રાજ્યને નવી ઉંચાઈએ લઈ જઈશુંઃ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પ્રચંડ વિજય માટે ગુજરાતના લોકોનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે સુશાસન અને ગુજરાત સરકારની શ્રેષ્ઠ કામગીરીને જોઈને મત આપ્યો છે. તેમણે વર્ષોથી ભાજપની મહેનતને આશીર્વાદ આપ્યા છે. હું ગુજરાતના લોકોને ખાતરી આપું છું કે અમે આવનારા સમયમાં વધુ મહેનત કરીશું અને ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું.
ભાજપ સૌથી વધુ મત મેળવનારો પક્ષ
આ ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ મત મેળવનારી પાર્ટી બની છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત એમ દરેક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ભાજપે સરેરાશ 50 ટકાથી વધુ મત મેળવ્યા છે. મહાનગરપાલિકાને બાદ કરતાં 2021ની સરખામણીએ ભાજપે વોટ શેર જાળવી રાખ્યો છે. જ્યારે 2021ની ચૂંટણીમાં આપને મહાનગરપાલિકામાં 14 ટકા વોટ શેર મળ્યો હતો. જે આ વખતે ઘટીને 10 ટકા થઇ ગયો છે.
લોકોની અપેક્ષા પૂરી કરવાની જવાબદારી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે ફરીથી ભગવો લહેરાવી દીધો છે પરંતુ નવા આવનારા મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન સહિતના પદાધિકારીઓની જવાબદારી આ ભવ્ય વિજયથી વધી જાય છે કેમ કે કોર્પોરેશન્સ, પાલિકા, પંચાયતમાં સામાન્ય કામો માટે લોકો ખૂબ ધક્કા ખાતા હોય છે. પૈસા આપ્યા વગર કોઇ કામ થતાં નથી તેવો આરોપ લાગતો રહે છે. શાસકોએ આ સમસ્યાને દૂર કરવી પડશે. લોકોના રોડ, પાણી, સફાઇ, ટ્રાફિકના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
મોદી સ્ટાઇલમાં રોડ શો
કદાચ આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહે ગુજરાત આવીને પ્રચાર ન કર્યો હોય. પશ્વિમ બંગાળ સહિત 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી હોવાથી મોદી-અમિત શાહ તેના પ્રચારમાં વ્યસ્ત હતા એટલે ગુજરાતમાં પ્રચારની કમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, રૂપાલા જેવા નેતાઓએ સંભાળી હતી. પક્ષે સાંસદ, ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યોને પણ મેદાને ઉતાર્યા હતા. લોકસભા કે વિધાનસભાની ચૂંટણી સમયે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે રીતે રોડ શો કરે છે તે જ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ પ્રચારના અંતિમ દિવસોમાં અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોમાં રોડ શો કર્યો હતો.
આ ત્રણેય નેતાઓનું પોતપોતાના વિસ્તારમાં જબરજસ્ત પ્રદર્શન રહ્યું છે. જેથી જીતની ક્રેડિટ પણ તેમના ફાળે જાય છે. તેઓની જાહેર સભા કે પ્રચારમાં ભલે ઓછી ભીડ આવતી હતી પણ મતદારો અગાઉ નક્કી કરીને જ બેઠા હતા કે મત તો ભાજપને જ આપવાનો છે.
સુરતમાં ‘આપ’ને લાગ્યો આંચકો
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું પ્રદર્શન અત્યંત ખરાબ રહ્યું છે. ગત ચૂંટણીમાં સુરતમાં ‘આપ’ વિરોધ પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો પણ આ વખતે 27 બેઠક પરથી સમેટાઇને 4 બેઠક પર આવી ગયો છે. ખૂબ જ મજબૂત લાગતો પક્ષ આ વખતે સાવ પાણીમાં બેસી ગયો હોય તેવો દેખાવ કર્યો. મતદારોએ ફરી એક વાર ભાજપને જ આવકાર આપ્યો છે અને કોંગ્રેસ-‘આપ’ સહિતના તમામને ઠોકર મારી છે.
કોંગ્રેસ અને ‘આપ’નું ભાવિ ધૂંધળું
આગામી વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’ને એક બેઠક મળે તો પણ સારુ એવું અત્યારના પરિણામો પરથી દેખાઇ રહ્યું છે. ‘આપ’ અને કોંગ્રેસનું આગામી ચૂંટણીમાં સાવ નામું નખાય જાય એવી સ્થિતિ અત્યારે ઊભી થઇ છે. બન્ને પાર્ટીઓનું નજીકના સમયમાં કોઇ જ ભવિષ્ય દેખાતું નથી. મતદારો આ બન્નેમાંથી કોઇને પસંદ નથી કરતા એ ફરીથી સાબિત થઇ ગયું છે.
2021માં ભાજપે 980માંથી 800 બેઠક જીતી હતી
2021ની ચૂંટણીમાં ભાજપે ગામડાંમાં ઘણું નુકસાન સહન કર્યું હતું પણ તે વેળા તમામ 31 જિલ્લા પંચાયતો ભાજપે જીતીને પોતાની તાકાત બતાવી દીધી હતી. કુલ 980 બેઠકોમાંથી ભાજપે અધધ કહી શકાય તેટલી એટલે કે 800 બેઠકો જીતીને નવો ઈતિહાસ રચ્યો હતો. જ્યારે કોંગ્રેસને માત્ર 169 બેઠકોથી જ સંતોષ માનવો પડ્યો હતો. જોકે, આ ચૂંટણીમાં ભાજપનો વોટશેર સૌથી વધુ એટલે કે, 52.50 ટકા રહ્યો હતો. જ્યારે કોંગ્રેસનો વોટશેર ઘટીને માત્ર 27 ટકા જેટલો જ રહ્યો હતો પરંતુ આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળી હોવા છતાં તેનો વોટશેર 13 ટકા રહ્યો હતો.


comments powered by Disqus