ગાંધીનગરઃ ગાંધીનગરના સેક્ટર-2Cમાં તસ્કરોએ આફ્રિકામાં સ્થાયી થયેલા બિઝનેસમેનના બંધ બંગલાને નિશાન બનાવી અંદાજે રૂ. 50 લાખથી વધુની મતા ચોરી કરી છે. આશ્ચર્યની વાત એ છે કે, સાઇબર ફ્રોડના વધતા કિસ્સાથી ડરીને વેપારીએ બેન્ક લોકર ખાલી કરી તમામ દાગીના અને રોકડ ઘરે રાખ્યાં હતાં, જે હવે તસ્કરોના હાથમાં ચડી ગયા છે.
ગાંધીનગરના સેક્ટર-2Cમાં પ્લોટ નંબર 877/1 માં મકાન ધરાવતા અને હાલ આફ્રિકા સ્થાયી થયેલા પરેશભાઈ શર્મા ગત જાન્યુઆરી મહિનામાં ગાંધીનગર આવ્યા હતા. ડિજિટલ યુગમાં બેન્કિંગ વ્યવહાર અને લોકર પણ સુરક્ષિત ન હોવાની ભીતિ હેઠળ તેમણે પોતાની જીવનભરની કમાણીની રકમ અને સોના-ચાંદીનાં ઘરેણાં બેન્ક લોકરથી ઉપાડી લીધાં હતાં.
બારીની ગ્રીલ તોડી ચોરી
આ કીમતી સામાન ઘરમાં જ સુરક્ષિત રહેશે તેમ માનીને તેઓ માર્ચ મહિનામાં ફરી આફ્રિકા પરત ફર્યા હતા. આ બંધ ઘરની સંભાળ રાખવા પરેશભાઈનાં બહેન સમયાંતરે આવતાં હોય છે. ગુરુવારે જ્યારે તેઓ મકાન પર તપાસ માટે આવ્યાં ત્યારે
ઘરની પાછળની બારીની ગ્રીલ તૂટેલી મળી આવી હતી. તેમણે અંદર જઈને જોતાં તિજોરીનાં તાળાં તૂટેલાં હતાં અને
તમામ કીમતી ચીજવસ્તુઓ ગાયબ હતી.

