ગિરનારના રક્ષણ કાજે સાધુ-સંતો અને સનાતનીઓની મહારેલી

Wednesday 29th April 2026 06:09 EDT
 
 

જૂનાગઢઃ ગિરનારની પવિત્ર ધરતી પર 24 એપ્રિલે ‘ગિરનાર બચાવો અભિયાન’ અંતર્ગત સનાતન ધર્મની મહારેલી યોજાઈ. આ રેલીમાં ગિરનારના રક્ષણ કાજે સાધુ-સંતો અને સનાતનીઓએ એકઠા થઈ વહીવટી તંત્ર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. સાધુ-સંતોની વિશાળ સભામાં ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા સ્થાનિકોને ગિરનારની પવિત્રતા અને તેના વારસાને જાળવી રાખવા હાકલ કરાઈ હતી. આ સભાની સૌથી મોટી વિશેષતા એ હતી કે, સનાતન ધર્મના તમામ સંપ્રદાયોના સાધુ-સંતોએ મતભેદો ભૂલીને એક મંચ પર એકત્રિત થઈ એકતાનું પ્રદર્શન કર્યું હતું.
અતિક્રમણ સામે સંતોની લાલઆંખ
ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા હેઠળ મળેલી આ સભામાં સર્વાનુમતે ગિરનાર સંરક્ષણ સમિતિનું વિધિવત્ રજિસ્ટ્રેશન કરાવવાનો ઠરાવ પસાર કરાયો હતો. આ સમિતિમાં મહાદેવગિરિ બાપુ અને ભગવતીદાસ બાપુ સદસ્ય તરીકે રહીને આ અભિયાનનું નેતૃત્વ કરશે એવું નક્કી કરાયું હતું. સભા દરમિયાન સંતોએ ગિરનાર પર્વત પર થઈ રહેલા કથિત અતિક્રમણ સામે લાલઆંખ કરી હતી.
આવેદન સુપરત કરાયું
આ રજૂઆતમાં ખાસ કરીને જૈન સંપ્રદાય દ્વારા કરાતાં બાંધકામો અને પરિવર્તનો સામે રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન રજૂ કરાયું હતું. સભા બાદ હજારોની સંખ્યામાં સાધુ-સંતો અને સનાતનીઓએે જિલ્લા કલેક્ટરને આવેદન સુપરત કર્યું હતું. સંતો મુજબ ગિરનાર ક્ષેત્રમાં પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. સીતાવનની આસપાસનાં સાગ, ખીજડો, ચંદન અને ખેર જેવાં અતિદુર્લભ વૃક્ષોનું રક્ષણ અનિવાર્ય છે. સંતોએ આક્ષેપ કર્યો કે, જંગલની હદમાં બિનઅધિકૃત ડેરી બનાવાઈ છે અને ખોટી ચરણપાદુકા મૂકીને જગ્યાનાં નામ બદલવાના પ્રયાસો થઈ રહ્યા છે.


comments powered by Disqus