નવી દિલ્હીઃ છત્તીસગઢ કેડરના 2008 બેચના આઈએએસ રાજેશ સિંહ રાણાએ દિલ્હીના જે ઘરમાં રહીને યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી તે કરોડોનું મકાન જરૂરતમંદ લોકોના લાભાર્થે દાન કરી દઇને સમાજ માટે પ્રેરણાદાયી માર્ગ ચીંધ્યો છે. હવે અહીં છઠ્ઠાથી 12મા ધોરણના બાળકો ફ્રી કોચિંગ મેળવે છે. 70 જેટલા યુવાનો સ્વરોજગાર માટે સ્કિલ ટ્રેનિંગ લઈ રહ્યા છે. દીકરીઓ જુડો-કરાટે શીખી રહી છે અને કેટલીક મહિલાઓ સિલાઈ-વણાટ શીખી રહી છે. દસકાઓપૂર્વે આ ઘર તેમના પિતા અજીતસિંહ રાણાએ ખરીદ્યું હતું.
અજિતસિંહ 40 વર્ષ પૂર્વે બીએસએફના સબ-ઇન્સ્પેક્ટર પદેથી નિવૃત્ત થયા બાદ નોકરી શોધવા દિલ્હી આવ્યા હતા તે સમયની આ વાત છે. એક દિવસ અજિતસિંહની તબિયત બગડી અને તેઓ 25 જાન્યુઆરી 2026ના રોજ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. પિતાની અંતિમ વિધિ પતાવ્યા બાદ રાજેશ સિંહ દિલ્હીના સીમાપુરીવાળા મકાને પહોંચ્યા. ત્યાં તેમણે સ્વૈચ્છિક સંગઠન પીએસડી ફાઉન્ડેશનના સભ્યોને બાળકોને ટ્રેનિંગ આપતા જોયા. આ પછી તેમણે સંસ્થાના પ્રમુખ અનુરાધા ગોયલ સાથે વાત કરી અને તેમનો ઉમદા ઉદ્દેશ જોઇને પોતાનું કરોડોનું ઘર તેમને દાન કરી દીધું.
રાજેશ સિંહ કહે છે કે, આ ઘર મારા માટે ખૂબ લકી રહ્યું છે. હું ઈચ્છું છું કે અહીંથી ભણીને બાળકો કાબેલ બનીને નીકળે. પિતાના ગયા પછી આ ઘર મારા માટે તેમના આશીર્વાદ સમાન છે. તેમના આશીર્વાદ હંમેશા મારી પાસે રહે તેવા ઉદ્દેશ સાથે મેં તે દાન કરી દીધું છે. જો અહીં વધુ સાધનસગવડ કે સહાયની જરૂર પડશે તો હું તેની વ્યવસ્થા કરવા પણ તૈયાર છું.

