નિર્જીવ કઠપૂતળીઓમાં પ્રાણ ફૂંકનારા પદ્મશ્રી મહિપત કવિનું 97 વર્ષની વયે નિધન

Wednesday 29th April 2026 06:09 EDT
 
 

અમદાવાદ: પોતાની આંગળીઓના વેઢે દોરીઓ નચાવીને સમાજમાં જાગૃતિ લાવનારા કઠપૂતળી કલાના મહારથી પદ્મશ્રી મહિપત કવિનું 97 વર્ષની વયે શનિવારે નિધન થયું. માત્ર 9 વર્ષની ઉંમરે રાજસ્થાની પપેટ્સ જોઈને તેમનામાં કલાનું બીજ રોપાયું હતું, તે કલાનું વટવૃક્ષ આજે શમી ગયું છે. 1963માં જ્યારે આધુનિકતાનો પવન ફૂંકાતો હતો, ત્યારે તેમણે આ પ્રાચીન કલાને વ્યવસાય તરીકે અપનાવવાનું સાહસ કર્યું. તેમણે 1975માં અમદાવાદમાં ‘પપેટ્સ એન્ડ પ્લેઝ’ની સ્થાપના કરી અને ગુજરાતની કલાને વૈશ્વિક ઓળખ અપાવી. પત્ની સ્વ. લીલાબહેન સાથે મળીને તેમણે તૈયાર કરેલી રોડ અને સ્ટ્રિંગ પપેટ્સની અનોખી ડિઝાઇનો આજે પણ કલાજગત માટે સંશોધનનો વિષય છે.
મહિપત કવિનાં પુત્રી પલ્લવીબહેન વ્યાસે જણાવ્યું કે, પપ્પાજી માટે પપેટ જ જીવન હતું. તેમણે નાની ઉમરથી જ તેને વ્યવસાય બનાવ્યો હતો. મમ્મી સાથે મળીને તેઓ પપેટ ડિઝાઇન કરતા, પરંતુ 10 વર્ષ પહેલાં મમ્મીના નિધન બાદ તેઓ ભાંગી પડ્યા હતા. તેમણે પપેટ પકડવાનું છોડી દીધું હતું, કારણ કે મમ્મી કપડાં સિવતાં અને હું ડ્રેસિંગ કરતી. તેમની ગેરહાજરીમાં પપેટ પકડતાં જ મમ્મીની યાદમાં તેઓ રડી પડતા હતા. આજે ભલે પપ્પાજી આપણી વચ્ચે નથી, પણ તેમના પાત્રો-સામાજિક સંદેશાઓ હંમેશાં જીવંત રહેશે.


comments powered by Disqus