મતદાર યાદીમાંથી ભુજ સ્વામિનારાયણ મંદિરના 205 સંતોનાં નામ ગાયબ

Wednesday 29th April 2026 06:08 EDT
 
 

ભુજઃ નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મતદાર યાદીમાં થયેલી ગંભીર ત્રુટિઓ સામે આવી છે, જેમાં ભુજ સ્વામિનારાયણ મંદિરના આશરે 205 સંતોનાં નામ મતદાર યાદીથી ગાયબ હોવાનું જાણવા મળ્યું છે. મંદિરના કોઠારી દેવપ્રકાશ સ્વામીએ જણાવ્યું કે, મંદિરના સંતો અને સાંખ્યયોગી બહેનો પૈકી 205 સંતોનાં નામ જ યાદીમાં નથી, જેના કારણે તેઓ મતદાનથી વંચિત રહ્યા.
સામાન્ય રીતે દરેક ચૂંટણીમાં સંતો વહેલી સવારે સાત વાગ્યે મતદાન મથકે પહોંચી સૌપ્રથમ મતદાન કરીને મંદિરે પરત ફરે છે, પરંતુ આ વખતે આલ્ફ્રેડ હાઇસ્કૂલ સ્થિત મતદાન મથકે એકપણ સંત જોવા ન મળતાં જાણવા મળ્યું કે તેમને મતદાર સ્લીપ પણ અપાઈ નહોતી અને તેમના મતદાન મથક, વોર્ડ નંબર કે બૂથ અંગે કોઈ જાણકારી અપાઈ નહોતી. ઉલ્લેખનીય છે કે, એસઆઇઆર હેઠળ મતદાર યાદી સુધારણા દરમિયાન મતદારના પિતા અથવા પતિના નામનો ઉલ્લેખ ફરજિયાત રખાયો હતો, જ્યારે સંતો નામ સાથે ગુરુનું નામ દર્શાવે છે અને પિતાનું નામ નોંધાવતા નથી. ચૂંટણી પ્રક્રિયામાં આવી પરિસ્થિતિ માટે અલગ જોગવાઈ ન હોવાથી સંતોના નામ કાઢી નખાયાં હોવાનું માનવામાં આવે છે. આ મામલે સંતો અને મંદિરના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજ મુલાકાત દરમિયાન સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાનનાં શરણે ગયા હતા, પરંતુ તેમના તંત્રે સંતોના અધિકારનું રક્ષણ ન કરતાં 205 સંતો મતદાનથી વંચિત રહ્યા હતા. આ ઘટનાને પગલે મંદિરમાં એવું સંભળાયું હતું કે, 'શરણે આવીને પાટિયાં (નામો) કાઢી નાખ્યાં.’


comments powered by Disqus