અમદાવાદઃ સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ હેઠળ એક મહિનામાં રૂ. 622 કરોડના 1039 સાઇબર ફ્રોડ કેસ ઉકેલી 40 આરોપીની ધરપકડ કરી છે. આ અભિયાન દરમિયાન માત્ર 7 દિવસમાં જ રૂ. 300 કરોડના સાઇબર ફ્રોડના કેસ ઉકેલી બેન્ક મેનેજર સહિત 8 આરોપીને ઝડપી લેવાયા છે. પ્રાથમિક તપાસમાં મેનેજર કમિશન લઈને આરોપીઓને મોટી રકમ ઉપાડવાની વ્યવસ્થા કરી આપતો હોવાની માહિતી સામે આવી છે.
ઊંઝા, ભાવનગર, રાજકોટ અને સુરત સહિતનાં શહેરોથી પોલીસે અલગ-અલગ ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા છે. ભાવનગર અને સુરતથી ઝડપાયેલા મૂકેશ મેર (ઉં.23) અને ફરદિનખાન પઠાણ (ઉં.22) સાથે જોડાયેલા 181 કેસમાં રૂ. 174.63 કરોડના ફ્રોડની કડી બહાર આવી છે. તેમની પાસેથી 4 મોબાઈલ, એક લેપટોપ, 868 બનાવટી ઈનવોઈસ તેમજ વિવિધ પેઢીઓના 65 આઈડી અને 125 એકાઉન્ટની વિગતો જપ્ત કરાઈ છે.
ઊંઝામાં અક્ષય પટેલ અને દેવેન્દ્ર પટેલની ધરપકડ સાથે અંદાજે રૂ. 114 કરોડના 125 કેસ ઉકેલાયા, તો રાજકોટમાં ચેતન અમલાણી, જતીન કક્કડ, કપિલ કોટક અને મહેન્દ્ર કોકિયાને ઝડપી તેમની પાસેથી રૂ. 40 લાખ રોકડ અને 6 મોબાઈલ ફોન જપ્ત કરાયા છે. પોલીસ મુજબ ઝડપાયેલા આરોપીઓ પૈકી એક સહકારી બેન્કનો મેનેજર છે. તે ગ્રાહકોને કેશ ઉપલબ્ધ ન હોવાનો જવાબ આપી પરત મોકલતો અને સાઇબર ઠગોના સંપર્કમાં રહેલા લોકો માટે કમિશન લઈને મોટી રકમ ઉપાડવાની વ્યવસ્થા કરતો હતો. અધિકારીઓ મુજબ શંકાસ્પદ બેન્ક ખાતાઓની તપાસ દ્વારા સાઇબર ફ્રોડની કડીઓ સુધી પહોંચવા આ અભિયાન ચાલુ રહેશે અને આવનારા સમયમાં અન્ય કેસ પણ ઉકેલી લેવામાં આવશે.
