વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા રૂ. 300 કરોડના ખર્ચે સ્કિલ યુનિવર્સિટી સ્થપાશે

Wednesday 29th April 2026 06:09 EDT
 

પોરબંદર: એકતાની ભૂમિ ગણાતા પોરબંદરમાં સોયથી માંડીને શિપનું સર્જન કરનારા વિશ્વકર્મા સમાજના સાચા શિલ્પીઓનું ભારતના ઇતિહાસનું પહેલું વિશ્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું, જેમાં 5000થી વધુ લોકો એકત્ર થયા હતા. આ નિમિત્તે ગુજરાત ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનના નિર્માણની જાહેરાત કરતાં જણાવ્યું કે, આ સંસ્થા દ્વારા સમાજની એકતા વધુ મજબૂત બનશે. દર મહિને દેશનાં અલગ-અલગ શહેરોમાં આવાં સંમેલનો યોજવાની અપીલ પણ તેમણે કરી. વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશન દ્વારા રૂ. 300 કરોડના ખર્ચે સ્કિલ યુનિવર્સિટી સ્થાપવાની જાહેરાત કરવામાં આવી, જે યુવાનોને કૌશલ્ય આધારિત શિક્ષણ આપશે.
પોરબંદરના યુવા ઉદ્યોગપતિ કેતન ગજ્જરના નેતૃત્વમાં આ સંમેલનનું આયોજન કરાયું હતું. સમુદ્ર કિનારે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્સાહ, એકતા અને ગૌરવનો અનોખો માહોલ સર્જાયો હતો. સ્કિલ યુનિવર્સિટીના નિર્માણ માટે કાર્યરત્ બનેલા વિશ્વકર્મા ગ્લોબલ ફાઉન્ડેશનને યુવા ઉદ્યોગપતિ કેતન ગજ્જરે રૂ. 1 કરોડની રકમ અર્પણ કરી હતી.
સાંસદ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડો. મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, વિશ્વકર્મા સમાજ સદીઓથી સમાજનું નિર્માણ કરતો આવ્યો છે. લુહાર હોય, સુથાર હોય, સોની હોય કે પ્રજાપતિ દરેક વિશ્વકર્મા જ છે. મંદિરોમાં ભગવાનને આકાર આપતો સમાજ જો કોઈ હોય તો તે વિશ્વકર્મા સમાજ છે.
મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, વિશ્વકર્મા સમાજ દરેક નિર્માણના પાયાથી ટોચ સુધી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. નવી ટેક્નોલોજીના યુગમાં યુવાનો વધુ સ્માર્ટ બની રહ્યા છે. આ સાથે તેમણે કેતન ગજ્જર જેવા યુવાનોને રોલ મોડલ ગણાવ્યા હતા.


comments powered by Disqus