સુરતઃ ઘોડદોડ રોડ સ્થિત જાણીતા ઉદ્યોગપતિ અશોક કેજરીવાલની પુત્રવધૂએ મંગળવારે સાંજે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. ફેબ્રુઆરી મહિનામાં ધામધૂમથી લગ્ન થયા બાદ માત્ર બે મહિનામાં પરિણીતાએ કયા કારણથી અંતિમ પગલું ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે.
શહેરના ઘોડદોડ રોડ પર સુભાષનગર સોસાયટીમાં રહેતા અને યાર્નનો વેપાર કરતા ઉદ્યોગપતિની 28 વર્ષીય પુત્રવધૂ ખ્યાતિ અભિષેક કેજરીવાલે મંગળવારે સાંજે પોતાના બંગલાના ત્રીજા માળે બેડરૂમમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે જણાવ્યું હતું કે, ખ્યાતિ કેજરીવાલ રોજની જેમ મંગળવારે બપોરે 2થી 4 વાગ્યા સુધી પોતાના બેડરૂમમાં આરામ કરતી હતી. સાંજે 4 વાગ્યા પછી પણ ખ્યાતિએ બેડરૂમનો દરવાજો ખોલ્યો નહોતો, આથી માતાએ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓફિસમાં બેઠેલા પુત્ર અભિષેકને જાણ કરી હતી.
અભિષેકે પણ ત્રીજા માળે દોડી આવી 3-4 વાર દરવાજો ખખડાવ્યો, છતાં કોઈ જવાબ ન મળતાં આખરે બીજી ચાવી દ્વારા દરવાજો ખોલતાં ખ્યાતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. પત્નીને આ હાલતમાં જોઈ પતિએ તાત્કાલિક તેને સારવાર માટે પિપલોદની મૈત્રી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. મંગળવારે મૈત્રી હોસ્પિટલના સ્ટાફે ઉમરા પોલીસને આ અંગેની જાણ કરી હતી. લગ્નના માત્ર બે મહિનામાં જ બનેલી આ હાઇપ્રોફાઈલ ઘટનામાં પોલીસ પરિવારના સભ્યોનાં નિવેદનો લઈ રહી છે.

