અમદાવાદઃ ભારતના પ્રથમ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ ‘મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન’ કોરિડોરમાં વધુ એક વૈશ્વિકકક્ષાની ટેક્નોલોજીનો ઉમેરો થયો છે. દેશમાં પ્રથમ વખત રેલવે ટનલ્સ માટે ખાસ પ્રકારની ‘ટનલ હૂડ્સ’ ટેક્નોલોજીનું ડિઝાઇનિંગ અને અમલીકરણ કરાઈ રહ્યું છે. બુલેટ ટ્રેનના રૂટમાં આવતી તમામ પર્વતીય ટનલના પ્રવેશદ્વાર પર આ ખાસ હૂડ્સ સ્થાપિત કરાઈ રહ્યા છે, જેથી 300 કિ.મી. પ્રતિકલાકથી વધુની ઝડપે દોડતી ટ્રેન જ્યારે ટનલમાંથી બહાર નીકળે ત્યારે થતો પ્રચંડ અવાજ (બૂમિંગ નોઇઝ) અટકાવી શકાય.
જ્યારે અતિઝડપી બુલેટ ટ્રેન ટનલમાં પ્રવેશ કરે છે, ત્યારે તે સિલિન્ડરની અંદર આગળ વધતા પિસ્ટનની જેમ પોતાની આગળ મોટા પ્રમાણમાં હવાને ધકેલે છે. હવાના આ અચાનક સંકોચનથી પ્રચંડ પ્રેશર વેવ્સ ઉત્પન્ન થાય છે. જો આ દબાણને નિયંત્રિત ન કરાય તો ટ્રેન બહાર નીકળવા દરમિયાન જોરદાર ગર્જના જેવો અવાજ થાય છે. ટનલ હૂડ્, ખુલ્લા વાતાવરણ અને ટનલ વચ્ચે ‘ટ્રાન્ઝિશન ઝોન’ (સંક્રમણ ક્ષેત્ર) તરીકે કામ કરશે, જે હવાને વધુ ધીમે અને નિયંત્રિત રીતે પસાર થવા દેશે.
પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિ
આ સમગ્ર રૂટ પર કુલ 8 પર્વતીય ટનલ બનાવાઈ રહી છે, જેમાં મહારાષ્ટ્રમાં 7 (પાલઘર) અને ગુજરાતના વલસાડમાં 1 પર્વતીય ટનલનો સમાવેશ થાય છે. આ તમામ ટનલના બંને છેડા પર આ અત્યાધુનિક ટનલ હૂડ્સ લગાવાશે. આ ટનલ હૂડ્સની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દબાણ-મુક્તિ માટે ખાસ ડિઝાઇન કરાયેલા વેન્ટ્સ અથવા વિન્ડોઝ રખાઈ છે. આ ઓપનિંગ્સ ટ્રેનના પ્રવેશ વખતે સંકુચિત થયેલી હવાનો એક ભાગ ધીમેથી વાતાવરણમાં છોડી દે છે, જેનાથી દબાણની તીવ્રતા ઘટે છે અને હવાનો પ્રવાહ સંતુલિત રહે છે. અવાજ ઓછો થવાથી આસપાસના જંગલ વિસ્તારોમાં પ્રાણીઓ અને સ્થાનિક સમુદાયોને કોઈ વિક્ષેપ પડશે નહીં. જાપાન જેવા બુલેટ ટ્રેન ચલાવતા દેશોની જેમ ભારતમાં પણ વિશ્વસ્તરીય સલામતી અને પર્યાવરણીય ધોરણો સુનિશ્ચિત થશે.

