ભરૂચની જુમ્મા મસ્જિદના પ્રવેશદ્વારે મહાવીર સ્વામીની પ્રતિમા!

Wednesday 17th June 2026 05:57 EDT
 
 

વડોદરાઃ ભરૂચની રાષ્ટ્રીય ધરોહર ગણાતી ઐતિહાસિક જુમ્મા (જામા) મસ્જિદના વર્ષોથી બંધ ભોંયરાનો દરવાજો પુરાતત્ત્વ વિભાગે ખોલીને તપાસ કરી. આ તપાસમાં અંદાજે 700 વર્ષથી બંધ એવા ભોંયરામાંથી 19મા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથ અને અન્ય જૈન દેવી-દેવતાઓની પૌરાણિક પ્રતિમાઓ મળતાં સમગ્ર પંથકમાં ભારે ગરમાવો આવી ગયો છે. છેલ્લા છ મહિનાથી ચાલતા આ વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
પ્રવેશદ્વાર પર પૌરાણિક પ્રતિમાઓ
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ચક્રધર સ્વામીના અનુયાયી સુદર્શન નાગરાજ બાબા અને શંકરાચાર્ય મઠના વ્યવસ્થાપક મુક્તાનંદ સ્વામી સહિતના સંતોએ આ સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન મસ્જિદના મુખ્ય પ્રવેશદ્વારની ઉપર ભગવાન મહાવીર સ્વામી અને નીચે ચક્રધર સ્વામીની પ્રતિમાઓ હોવાનું દૃશ્યમાન થયું હતું. આ ઉપરાંત મસ્જિદના પિલ્લરો અને દીવાલો પર કરવામાં આવેલી કલાત્મક કોતરણી પણ ભારતીય સંસ્કૃતિ અને જૈન મંદિરોની સ્થાપત્ય શૈલીને સમાન હોવાનું સામે આવ્યું હતું.
ગેરકાયદેસર વજુખાનાનું નિર્માણ
આ ઐતિહાસિક સ્મારક પુરાતત્ત્વ વિભાગ અંતર્ગત સુરક્ષિત હોવા છતાં સ્થાપત્યની જાળવણી કરવામાં પુરાતત્ત્વ વિભાગ સદંતર નિષ્ફળ નીવડ્યો છે. સુરક્ષિત ધરોહર હોવા છતાં ત્યાં ગેરકાયદે વજુખાનાનું નિર્માણ કરાયું હતું, જેને તાજેતરમાં દૂર કરાયું છે. આ સિવાય 700 વર્ષથી ખુલ્લા એક દરવાજાને ત્રણ લાકડાના પાટિયા મારીને તાળાબંધી કરી દેવાતાં વિવાદ વધુ
વકર્યો છે.
અધિકારીઓ સામે ઉઠતા સવાલો
સ્થાનિક વહીવટી તંત્ર અને પુરાતત્ત્વ વિભાગના અધિકારી રાહુલ પરમાર સામે પણ અનેક સવાલો ઊઠી રહ્યા છે. સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને આ સંકુલમાં વીજમીટર કોના નામે લેવાયું? સાઉન્ડ સિસ્ટમ અને અન્ય વીજ ઉપકરણો લગાવવાની મંજૂરી કોણે આપી તે તપાસનો વિષય બન્યો છે. સંતોનો આક્ષેપ છે કે પુરાતત્ત્વ વિભાગના સ્થાનિક કર્મચારીઓએ આ ગંભીર બાબતો અંગે ઉચ્ચ અધિકારીઓને સમયસર કેમ
વાકેફ ન કર્યા?
કોણે સમરી વિહારનું નિર્માણ કરાવ્યું હતું?
શંકરાચાર્ય મઠના મુક્તાનંદ સ્વામીના જણાવ્યા અનુસાર શ્રીલંકાના રાજાની પુત્રી સુદર્શનાએ પૂર્વભવની સ્મૃતિમાં આ ભવ્ય સમરી વિહારનું નિર્માણ કરાવ્યું હતું. આ પવિત્ર સ્મારક રાષ્ટ્રીય ધરોહર હોવા છતાં પુરાતત્ત્વ વિભાગની આંખ આડા કાન કરવાની નીતિના કારણે ત્યાં ગેરકાયદે કબ્રસ્તાન ઊભું કરી દેવાયું છે. મજાર પર તખ્તીઓ મારવાની અને દફનવિધિ કરવાની મંજૂરી કોણે આપી તે મોટો સવાલ છે. આ પરિસરમાં એક ઐતિહાસિક પાતાળ કૂવો અને ઇસ્લામિક પુસ્તકો મળી આવ્યાં છે. જો આ પાતાળ કૂવાની તટસ્થ વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે તો આ સ્થળ જૈન મંદિર હોવાના અત્યંત ચોંકાવનારા પુરાવા બહાર આવી શકે છે.


comments powered by Disqus