રૂ. 10 હજાર કરોડનું રોકાણ કરનારી અલ્ટ્રા મેગા ઈન્ડસ્ટ્રીને રૂ. 3500 કરોડની સહાય મળશે

અત્યાર સુધીની સૌથી વિકસિત ગુજરાત ઉદ્યોગનીતિ-2026ની જાહેરાત

Wednesday 17th June 2026 05:57 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાત સરકારે નવી ઉદ્યોગનીતિ વિકસિત ગુજરાત ઉદ્યોગનીતિ-2026ની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નવી નીતિ જાહેર કરી છે. સરકારે દાવો કર્યો છે કે, અત્યાર સુધી ગુજરાતમાં બનેલી તમામ ઉદ્યોગનીતિ પૈકી આ સૌથી વધુ આકર્ષક છે. આ નીતિ અનુસાર રૂ. 10 હજાર કરોડનું રોકાણ કરનારી અલ્ટ્રા મેગા ઇન્ડસ્ટ્રીઝને રૂ. 3500 કરોડની સહાય મળશે.
આ સાથે રોકાણકારો મૂડીસહાય, વ્યાજ સહાય, વીજશુલ્ક સહાય પૈકી જે પણ અનુકૂળ લાગે તે પસંદ કરી શકશે. જો કે તેમના રોકાણની મૂડીના ગુણોત્તરમાં મળનારી કુલ રકમ તેઓ જે પસંદ કરે તે સહાય સ્કીમને બરાબર હોવી જોઈશે. ઇન્સેન્ટિવના બાસ્કેટ જેવી આ યોજના નવી ઉદ્યોગનીતિનું સૌથી આકર્ષક પાસું રહેશે. વિશેષ પ્રોત્સાહનપાત્ર ક્ષેત્રો હેઠળ રમતગમતનાં સાધનો, રમકડાં, પગરખાં, રોબોટ્સ અને ડ્રોન્સને વિશેષ ક્ષેત્ર તરીકે રેખાંકિત કરીને તેમના માટે સૌથી મોટું પેકેજ જાહેર કરાયું છે. સરકારે રોજગારી અને વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતાં આ ક્ષેત્રોને વિશેષ પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે.
દર વર્ષે વધુ 7 હજાર કરોડની સહાય
GIDC દ્વારા રાજ્યમાં ગુજરાત રિસર્ચ એન્ડ ઇનોવેશન પાર્ક બનશે, જેમાં સંયુક્ત લેબોરેટરી, ટેસ્ટિંગ ફેસિલિટી, પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ, ઇન્ક્યુબેશન અને એક્સિલરેશન સપોર્ટ મળશે. આ ઉપરાંત 50 ટકા કેપિટલ સબસિડી, જમીન ખર્ચ પર 25 ટકા રિઇમ્બર્સમેન્ટ, 5 વર્ષ માટે રૂ. 1 પ્રતિ યુનિટ વીજસહાય, કર્મચારી દીઠ 3 વર્ષ સુધી રૂ. 10,000 માસિક પેરોલ સહાય અને પેટન્ટ અને બૌદ્ધિક સંપદા અધિકાર સહાય મળી રહેશે.
શહેરની અંદરના ઉદ્યોગો શિફ્ટ કરવા
નવી ઉદ્યોગનીતિમાં શહેરોની વચ્ચે આવી ગયેલા ઉદ્યોગોને આયોજિત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ખસેડવાનું પ્રાવધાન છે, જેનાથી ઉદ્યોગોને ટ્રાન્સફર ફી રાહત, કોમર્શિયલ/રેસિડેન્શિયલ કન્વર્ઝન સુવિધા અને FSIમાં રાહત મળશે. આ સિવાય એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ પ્રક્રિયામાં સહાય, મજૂરોના રહેઠાણ અને વેતન સહાય અને નવી ઉદ્યોગોને દરવર્ષે વધુ રૂ. 7 હજાર કરોડની સહાય મળશે.
પર્યાવરણલક્ષી સૌથી મોટી જાહેરાતો
ગુજરાતમાં સંપૂર્ણપણે રિન્યૂએબલ એનર્જી આધારિત ગ્રીન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિકસાવાશે. જ્યાં 70 ટકા CETP અને પાણી રિસાઇકલિંગ કરતા યુનિટને 50 ટકા સહાય, પ્રવાહી ઉત્સર્જિત ન કરતાં MSMEને 50 ટકા અને મોટા ઉદ્યોગોને 40 ટકા સહાય ઉપરાંત સ્વચ્છ ઉત્પાદન તકનિક એકમોમાં MSMEને રૂ. 1 કરોડ અને મોટા ઉદ્યોગને રૂ. 2 કરોડ સુધીની સહાય મળશે.
જોઈને જ આનંદ થાય તેવી નીતિઃ મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાતમાં ઉદ્યોગોને રોકાણ માટે આકર્ષતી આ નીતિમાં સરકાર તમામ ક્ષેત્રના ઉદ્યોગોને આવરી લેવા માગે છે. આવનારાં વર્ષોમાં ગુજરાત દેશના અર્થતંત્રમાં રૂ. 435 લાખ કરોડનું યોગદાન આપી શકે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, અમને વિશ્વાસ છે કે આ નીતિથી અન્ય રાજ્યો, વિદેશી રોકાણકારો ગુજરાતમાં આવશે. તો મુખ્ય સચિવ એમ.કે. દાસે કહ્યું કે, 36 વર્ષની કારકિર્દીમાં મેં આટલી આકર્ષક ઉદ્યોગનીતિ ક્યારેય જોઈ નથી. આ નીતિથી સાવ નાનાથી માંડીને મોટા ઉદ્યોગકારોને મોટો લાભ થશે.


comments powered by Disqus