મહેસાણાઃ વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના વહીવટ અંગે ચાલી રહેલા વિવાદમાં મહેસાણા ચેરિટી કોર્ટે વહીવટદાર નીમી દીધા છે. શુક્રવારે મધરાતે પોલીસ બંદોબસ્ત વચ્ચે વહીવટદાર મંદિરનો કબજો લેવા પહોંચ્યા હતા. જો કે એકતરફી અને અધિકારીઓની જોહુકમી સામે નારાજગી વ્યક્ત કરી ટ્રસ્ટીઓ અને અગ્રણીઓએ વિરોધ કરી ચાવી આપવા ઇનકાર કર્યો હતો. આથી 15 જૂને તમામ 30 પક્ષકાર અને બેન્ક મેનેજરને ઓફિસે હાજર રહેવા સૂચના અપાઈ હતી.
ઉલ્લેખનીય છે કે રાતોરાત કબજો લેવા ગયેલી તંત્રની ટીમ દ્વારા મધરાતથી મોટી સંખ્યામાં પોલીસ ખડકી દેવાતાં દર્શનાર્થીઓને પૂજામાં પણ તકલીફ પડી હતી.
સમગ્ર મામલો શું હતો?
વહીવટદાર મહેસાણાના ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર વિજય વસાવાએ જણાવ્યું કે, આ સમગ્ર મામલો ટ્રસ્ટના સંચાલન અને વહીવટ સાથે જોડાયેલો છે. આ ટ્રસ્ટની સ્થિતિ એવી છે કે વર્ષ 1993થી કાયદેસરના રેકોર્ડ પર કોઈ ટ્રસ્ટી ઉપલબ્ધ નથી. બંને પક્ષકારો વચ્ચે આંતરિક વિવાદ થતાં આ મામલો જ્યુડિશિયલ કોર્ટ અને ચેરિટી કમિશનર સુધી પહોંચ્યો હતો.

