સાળંગપુર હનુમાનજીનાં નામ અને સ્વરૂપો હવે કોપીરાઈટ ટ્રેડમાર્ક

Wednesday 17th June 2026 05:57 EDT
 
 

બોટાદઃ દેશવિદેશના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના અનન્ય પ્રતીક સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનાં દિવ્ય સ્વરૂપો, કિંગ ઓફ સાળંગપુર તેમજ તીર્થધામ સાથે સંકળાયેલી અનેકવિધ આધ્યાત્મિક વિશેષતાઓને ભાવી પેઢીઓ સુધી સુરક્ષિત રાખવા માટે અને ભવિષ્યમાં કોઈપણ ખોટો કે વ્યવસાયિક દુરુપયોગ ન કરી શકે તે માટે ટેમ્પલ મેનેજમેન્ટ દ્વારા કોપીરાઇટ અને ટ્રેડમાર્ક મેળવીને તેને કાયદાકીય સુરક્ષાકવચ આપવામાં આવ્યું છે.
યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજનાં વિવિધ દિવ્ય સ્વરૂપો, વિશિષ્ટ ચિત્રાત્મક અભિવ્યક્તિઓ, સર્જનાત્મક કૃતિઓ તથા સર્વાધિક લોકપ્રિય ઓળખરૂપ કિંગ ઓફ સાળંગપુર સહિતના વિવિધ કોપીરાઇટ, ટ્રેડમાર્ક અને અન્ય બૌધિક સંપત્તિ હકોની નોંધણીઓ સફળતાપૂર્વક પ્રાપ્ત કરવામાં આવેલ છે. આ પવિત્ર ધામની આગવી ઓળખ, ગૌરવ અને આધ્યાત્મિક વારસાનું રક્ષણ કરવાના ઉમદા આશયથી હાથ ધરાયેલા પ્રયાસ બાદ પ્રાપ્ત થયેલાં તમામ પ્રમાણપત્રો ભાવપૂર્વક દાદાનાં પવિત્ર ચરણોમાં સમર્પિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રક્રિયા દેશની અગ્રણી લો ફર્મ દ્વારા પૂર્ણ કરાઈ હતી. આ કાર્ય આઇ.પી. ક્ષેત્રના નિષ્ણાતના માર્ગદર્શન તળે સંપન્ન થયું હતું.
આ પ્રસંગે મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું હતું કે, ભારતની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ધાર્મિક ધરોહરને આધુનિક બૌદ્ધિક સંપત્તિ કાયદાઓ દ્વારા સુરક્ષિત કરવી સમયની આવશ્યકતા છે. દાદાના આશીર્વાદથી ભક્તિ, સેવા અને સંસ્કૃતિના આ દિવ્ય વારસાનું સંરક્ષણ અને સંવર્ધન આગામી વર્ષોમાં પણ સતત ચાલુ રહેશે.


comments powered by Disqus